• સોમવાર, 29 જૂન, 2026

સાવરકુંડલા અને તળાજા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી, અનેક ગામમાં વરસાદ

પીપરડીની સ્થાનિક નદીમાં આવ્યું પૂર

સાવરકુંડલા, તળાજા તા.28: સાવરકુંડલા તાલુકામાં રવિવારે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો તેમજ તળાજા પંથકમાં પણ આજે વરસાદ વરસ્યો હતો.

સાવરકુંડલાના સેવાડા, હિપાવડલી, પીપરડી, ધાર, મોટા ભમોદરા, લીખાળા, કાત્રોડી, ખડસલી, વીજપડી, પિયાવા સહિતના ગામોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પીપરડી ગામમાં સારો વરસાદ થતાં સ્થાનિક નદીમાં પાણીની આવક વધતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં પણ ખુશી જોવા મળી હતી. છેલ્લા ઘણા દિવસોથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ (જુઓ પાનું 10)

સમાન સાબિત થયો છે. વરસાદ શરૂ થતાં ખેતરોમાં વાવણીની તૈયારીઓને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ સારો વરસાદ વરસે તેવી ખેડૂતો અને ગ્રામજનો આશા રાખી રહ્યા છે.

તળાજા પંથકના ખેડૂતોએ છેલ્લા વીસેક દિવસ દરમિયાન માંડવી, શેરડી સહિતના પાકનું વાવેતર કરી નાખ્યું છે. આજે અમુક ગામડાઓમાં વરસેલા વરસાદને કારણે ખેડૂતોને થોડી રાહત થઇ છે. ખેડૂતોએ શેત્રુંજી સિંચાઈ યોજનામાંથી પાણી છોડવામાં આવે તેવી માગ કરી હતી. ત્યાં આજે બપોર બાદ તળાજા સહિતના નવા સાંગાણા, કુંઢેલી, ઘાટરવાળા, ઠાડચ સહિતના વિસ્તારોમાં નેવાધાર વરસાદ વરસ્યો હતો.

કુંઢેલી પંથકમાં વાવણી જોગ વરસાદથી સર્વત્ર ખુશીની લહેર

તળાજા પંથકમાં આજ બપોર બાદ મેઘરાજાની પધરામણી થઈ હતી. આથી સર્વત્ર ખુશીની લાગણી ફેલાઈ છે. આજના વરસાદથી વાવણી જોગ વરસાદ થયો હતો. આગોતરા કપાસ, મગફળી, જુવાર વગેરે પાકો ઉછેરનાર ખેડૂતો માટે આજના વાવણી જોગ વરસાદથી ખૂબ ફાયદો થશે. આજના ભરપૂર વરસાદથી ગામના નદી નાળા છલોછલ થયા હતા. આજુબાજુના ઠાડચ, ટાઢાવડ, ઘાટરવાળા વગેરે ગામોમાં પણ સારા વરસાદના સમાચાર છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક