- રાજ્ય પરથી મજબૂત ટ્રફ પસાર થઈ રહ્યો છે જેને અરબી સમુદ્રમાંથી પૂરતો ભેજ મળી રહ્યો છે : હવામાન વિભાગ
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 27 : ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી અને ચોમાસાના પ્રારંભિક તબક્કાની વચ્ચે
હવામાન વિભાગે રાજ્યના નાગરિકો, વહીવટી તંત્ર અને ખાસ કરીને માછીમારો માટે આગામી અઠવાડિયાની
મહત્વની ચેતવણી જારી કરી છે. વાતાવરણમાં એક સાથે બે સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન
અને ટ્રફ સક્રિય થવાના કારણે 2 અને 3 જુલાઈએ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં
આવી છે.
હવામાન
વિભાગના બુલેટિન અનુસાર, ચોમાસું રાજ્યમાં પ્રવેશી ચૂક્યું છે પરંતુ દક્ષિણ ગુજરાતના
ભાગોમાં તેની ગતિ હાલ થોડી મંદ પડી ગઈ છે.
જો કે, આ મંદી બહુ લાંબી નહીં ચાલે કારણ કે રાજ્ય પરથી એક મજબૂત ટ્રફ પસાર થઈ રહ્યો
છે જેને અરબી સમુદ્રમાંથી પૂરતો ભેજ મળી રહ્યો છે. આ સિસ્ટમની વ્યાપક અસરના કારણે આગામી
2 અને 3 જુલાઈએ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ પડવાની અગાહી કરવામાં
આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ ખાબકી શકે છે.
જ્યારે
આગામી દિવસોમાં સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ સહિતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ
અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં મેઘરાજા મન મૂકીને વરસશે.
------------
1લી
જુલાઈએ માછીમારોને દરિયામાં નહી જવા સૂચના
આ આકાશી
સિસ્ટમ સક્રિય થતાં જ દરિયાઈ પટ્ટી પર જોખમ વધી ગયું છે. 1 જુલાઈએ સમુદ્ર અત્યંત તોફાની
બનવાની સંભાવના હોવાથી તમામ માછીમારોને દરિયામાં ન જવા અને જેઓ અંદર છે તેમને તુરંત
કિનારે પરત ફરી જવા માટે વહીવટી તંત્ર દ્વારા સ્રૂચના અપાઈ છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના
વિવિધ ભાગોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે, જેના કારણે કાચા
મકાનો, હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની શકે છે.
------------
રાજકોટમાં
સૌથી વધુ 40.9 ડિગ્રી તાપમાન
આજે
રાજકોટમાં સૌથી વધુ 40.9 તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 40.8, બરોડામાં
39.4, ડીસામાં 40, ગાંધીનગરમાં 40.6, સુરેદ્રનગરમાં 40.5, સુરતમાં 36.8 ડિગ્રી તાપમાન
નોંધાયું હતું.