• સોમવાર, 29 જૂન, 2026

ક્યાંક પાણી-પાણી તો ક્યાંક ભીષણ તાપ

રાજધાની દિલ્હીમાં ઓચિંતા હવામાન પલટો : તેજ આંધી પછી વરસાદ : કેરલમ અને બંગાળ ભારે અને એકધારા વરસાદથી તરબોળ : યુપી-િબહારમાં કાળઝાળ તાપ

નવીદિલ્હી, તા.28 : અલનીનોની અસરતળે દેશના અનેક પ્રદેશ વરસાદની ચાતક નજરે વાટ જોઈ રહ્યા છે. જેમાં આજે અનેક રાજ્યોમાં હવામાને ઓચિંતો પલટો માર્યો હતો. પ0 ડિગ્રીએ પહોંચી ગયેલી ભીષણ ગરમી વચ્ચે આજે રાજધાની દિલ્હીમાં સાંજ પડતા ધૂળની તેજ આંધી પછી વરસાદ શરૂ થઈ જતાં અકળાઈ ગયેલા લોકોને ટાઢક વળી હતી. બીજીબાજુ કેરલમ અને બંગાળમાં પણ ભારે વરસાદનાં કારણે જનજીવન ખોરવાયું હતું. દિલ્હી એનસીઆરમાં આજે સાંજે અચાનક જ ઘેરા વાદળો છવાઈ ગયાં હતાં અને આંધી પછી વીજળીનાં કડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. જેમાં ધૂળની ડમરીઓ ઊડી ત્યારે 40થી 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાયો હતો.

બીજીબાજુ કેરલમમાં આજે ચોમાસું વધુ જોરમાં આવી ગયું હતું. આખાં રાજ્યમાં ભારે વરસાદ નોંધાયો હતો અને રાજ્યનાં છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 8 જિલ્લામાં યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.

બીજીબાજુ બંગાળના પહાડી અને મેદાની વિસ્તારોમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે અને સામાન્ય જનજીવન વિખેરાઈ ગયું હતું. એકધારા વરસાદનાં કારણે રાજ્યની અનેક નદીઓમાં જળસ્તર તેજીથી વધી ગયાં હતાં. એકબાજુ વરસાદે બે રાજ્યને પાણીમાં તરબોળ કરી નાખ્યા છે તો બીજીબાજુ યુપી, બિહારમાં પ્રચંડ ગરમીની લહેરથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. યુપી અને બિહારની સરકારે ભીષણ તાપનાં કારણે શાળાના નિયમોમાં પણ ફેરફાર કરવા પડયા છે. જેમાં બિહારમાં તો બે દિવસની રજા પણ જાહેર કરવામાં આવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક