રોનાલ્ડોનો નબળો દેખાવ : પોર્ટૂગલ-કોલંબિયાનો મેચ 0-0થી ડ્રો
સ્પેન
સામેની 0-1ની હારથી ઉરૂગ્વે વિશ્વ કપની બહાર
એટલાંટા/ડલાસ
તા.28: ફૂટબોલ વર્લ્ડ કપના લીગ રાઉન્ડના અંતે દિગ્ગજ ખેલાડી લિયોનલ મેસ્સીએ વધુ એક
રેકોર્ડ બનાવ્યો હતો. જયારે પૂર્વ વિજેતા ટીમ ઉરૂગ્વે ટીમ નબળા દેખાવ સાથે વિશ્વ કપની
બહાર થઇ હતી. બીજી તરફ રોનાલ્ડોની ટીમ પોર્ટૂગલે ગ્રુપ કેના તેના આખરી લીગ મેચમાં કોલંબિયા
સામે 0-0થી ડ્રો કરી રાઉન્ડ-32માં જગ્યા બનાવી હતી.
39
વર્ષીય મેસ્સીએ ફીફા વર્લ્ડ કપના સતત સાતમા મેચમાં ગોલ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
ગ્રુપ જેના આખરી લીગ મેચમાં આર્જેન્ટિનાનો 3-1થી વિજય થયો હતો. આ મેચમાં મેસ્સી 60મી
મિનિટે સબ્સ્ટીટયૂટ તરીકે મેદાનમાં ઉતર્યો હતો અને મેચની 80મી મિનિટે ડી એરિયા બહારથી
ફ્રી કિકથી અદભૂત ગોલ કર્યો હતો. જે વર્તમાન ટૂર્નામેન્ટમાં તેનો છઠ્ઠો ગોલ છે. મેસ્સીની
જાદુઇ સફર 2022 કતર વર્લ્ડ કપથી શરૂ થઇ છે. ત્યારે તેણે નોકઆઉટ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા,
નેધરલેન્ડ અને ક્રોએશિયા સામે 1-1 ગોલ કર્યાં હતા. જયારે ફાઇનલમાં ફ્રાંસ સામે 2 ગોલ
કર્યાં હતા. આ પછી વર્તમાન વિશ્વ કપમાં અલ્જીરિયા સામે 3 અને ઓસ્ટ્રિયા સામે 2 અને
હવે જોર્ડન સામે 1 ગોલ કર્યોં હતો. આમ તે ફીફા વર્લ્ડ કપના સળંગ સાત મેચમાં ગોલ કરનારો
પહેલો ખેલાડી બન્યો છે.
મેસ્સી
પહેલા ફ્રાંસના જસ્ટ ફોંટેને 19પ8માં 6 મેચમાં 11, બ્રાઝિલના જાઇરજિન્હોએ 1970માં
6 મેચમાં 7 ગોલ કર્યાં હતા. મેસ્સીએ સળંગ 7 મેચમાં 11 ગોલ કર્યાં છે. તે આ સૂચિમાં
સતત 7 મેચમાં ગોલ કરી પહેલા સ્થાને છે.
ગઇકાલના
અન્ય એક મેચમાં રોનાલ્ડો કમાલ કરી શકયો ન હતો અને પોર્ટૂગલનો કોલંબિયા સામેના મેચ
0-0થી ડ્રો રહ્યો હતો. કોલંબિયા ગ્રુપ કેમાં ટોચ પર રહી અને પોર્ટૂગલ બીજા સ્થાને રહી
નોકઆઉટમાં પહોંચ્યા છે. આજ ગ્રુપના આખરી લીગ મેચમાં ડીઆર કોંગોએ જબરદસ્ત વાપસી કરીને
ઉઝબેકિસ્તાનને 3-1થી હાર આપી નોકઆઉટ રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. કોંગો ટીમ પહેલીવાર
રાઉન્ડ-32માં પહોંચી છે.
ગ્રુપ
જેના એક મેચમાં અલ્જીરિયા અને ઓસ્ટ્રિયા 3-3 ગોલની બરાબરી પર રહ્યા હતા. ગ્રુપમાં બીજા-ત્રીજા
સ્થાને રહી નોકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યા હતા. જયારે ગ્રુપ એલના મેચમાં મજબૂત ઈંગ્લેન્ડનો
પનામા સામે 2-0થી વિજય થયો હતો. પનામાની સફર સમાપ્ત થઇ હતી. ઈંગ્લેન્ડ ટોચ પર રહી આગળ
વધ્યું હતું. જયારે ઉરૂગ્વેનો સ્પેન સામે 0-1થી પરાજય થયો હતો અને વિશ્વ કપની બહાર
થયું હતું.