ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાએ પણ પદ છોડયું પ્રભારી ગોપાલ રાવ પણ બહાર : તમામ આઠ આરોપી કોર્ટમાં રજૂ કરાયા
અયોધ્યા,
તા. 26 : આખા દેશમાં બહુચર્ચિત બનેલાં રામમંદિરમાં ચડાવાની ચોરીનાં પ્રકરણમાં શુક્રવારે
એક મોટા ઘટનાક્રમમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે
રાજીનામું આપી દીધું હતું. રાયની સાથોસાથ ડો. અનિલ મિશ્રાએ પણ ટ્રસ્ટી પદ છોડી દીધું
હતું. બીજી તરફ મોદી સરકાર પર નિશાન સાધવા સાથે કોંગ્રેસે મંદિર ટ્રસ્ટનો ભંગ કરવાની
માંગ કરી હતી. વાવડ તો એવા પણ મળ્યા છે કે, મંદિર નિર્માણ પ્રભારી ગોપાલ રાવને પણ મંદિરની
વ્યવસ્થામાંથી બહાર કરી દેવાયા છે. આ મામલામાં તમામ આઠ આરોપી પકડાઇ ચૂક્યા છે અને કડક
સુરક્ષા વચ્ચે જિલ્લા અને સત્ર અદાલત, ફૈઝાબાદમાં રજૂ કરાયા હતા.
ચંપત
રાય પાસે આખાં રામમંદિરની જવાબદારી હતી. રાય બાદ ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રા અને નિર્માણ
પ્રભારી ગોપાલ રાવ પાસે જવાબદારી હતી.
એક
અઠવાડિયાં પહેલાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પ્રવાસે પહોંચ્યા હતા. તે વખતે
ચંપત રાયને આ પ્રવાસથી દૂર રખાતાં તેમને હટાવાશે તેવી ચર્ચાએ જોર પકડયું હતું.
મુખ્યમંત્રી
યોગીએ જણાવ્યું હતું કે, આસ્થા સાથે ચેડાં કોઇ પણ કિંમતે સ્વીકાર્ય નથી. સનાતનનાં મૂલ્યોને
નુકસાન કરનારને સરકાર જરા પણ સહન નહીં કરી લે.
ચંપત
રાયનાં રાજીનામાં પર નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે જણાવ્યું હતું કે, નિષ્પક્ષ તપાસ
થશે. સરકારે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
બીજી
તરફ, કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે, અમે અયોધ્યા રામમંદિરમાં ચડાવાની
ચોરીનો મુદ્દો સંસદનાં ચોમાસુ સત્રમાં ઉઠાવશું.
કરોડો
ભક્તોની ભાવનાને ઠેંસ પહોંચી છે. ટ્રસ્ટ ખુદ સવાલોના ઘેરામાં છે. સરકારે આ મુદ્દા પર
જવાબ આપવો પડશે, તેવું કોંગ્રેસ નેતા બોલ્યા હતા.
પૂર્વ
કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ સાંસદ રાજેશ શુકલાએ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં મામલાની
તપાસ કરાવવાની માંગ કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મામલા પર નિવેદન આપે
તેવી માંગ કરી હતી.