(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.26 : અમદાવાદના ધમધમતા એવા માણેકચોકમાં બે વર્ષ પહેલાં વેપારી પર ફાયારિંગ કરી
1.51 કરોડની લૂંટ ચલાવનાર સૂત્રધારને પકડી પાડવામાં ઝોન 3 એલસીબી પોલીસની ટીમને મોટી
સફળતા મળી હતી. પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દિલ્હીથી એરફોર્સના એક ઓફિસરની ધરપકડ
કરી હતી. પકડાયેલો આરોપી એરફોર્સના ટેકનિકલ યુનિટમાં ફરજ બજાવતો હોવાથી પોલીસની પદ્ધતિઓથી
વાકેફ હતો. જેને કારણે આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
ખાડિયા
પોલીસ સ્ટેશનના પી.આઈ. લંગારિયા અગાઉ જામનગરમાં ફરજ બજાવી ચૂક્યા છે. જૂના વણઉકેલાયેલા
ગુનાઓની તપાસ દરમિયાન તેમને કડી મળી કે લૂંટમાં જે પિસ્તોલ વપરાઈ હતી, તેવી જ એક પિસ્તોલ
2024માં જામનગરમાં એક નિવૃત્ત એરફોર્સ અધિકારીના ઘરેથી ચોરાઈ હતી. આ શંકાના આધારે તપાસ
લંબાવતા પોલીસે સીધા દિલ્હીમાં ધામા નાંખ્યા હતા. દિલ્હીમાં ફરજ બજાવતા એરફોર્સના એર
કમાન્ડિગ ઓફિસર દીપક બુકેરની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસને દીપકના ઘરેથી લૂંટમાં વપરાયેલી
પિસ્તોલ અને કાર્ટીઝ મળી આવ્યા હતા. દીપકને સટ્ટો રમવાની કુટેવ હતી અને તેના માથે દેવું
થઈ જતા ચૂકવવા તેણે લૂંટનો પ્લાન બનાવ્યો.