તળાજા,
તા.25: તળાજાના ઉંચડી ગામના સરપંચના બે પુત્ર સહિત ચાર વ્યક્તિઓ સામે કે.પી. એનર્જી
કંપનીના કર્મચારીએ દાઠા પોલીસ મથકમાં ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ
નોંધાવી છે. પોલીસે મુખ્ય આરોપી જગદીશ ખેરની ધરપકડ કરી લીધી છે. મોટાધાણા ગામના રહેવાસી
અને કે.પી. એનર્જી કંપનીના કર્મચારી હાજુભાઈ ભમ્મરે નોંધાવેલી ફરિયાદ મુજબ, બોડકી-ફુલસર
33 કે.વી.ની ચાલુ વીજ લાઈનમાં ઉંચડી ગામના સરપંચના પુત્ર જગદીશ લક્ષ્મણભાઈ ખેર અને
કરણ લક્ષ્મણભાઈ ખેર બે અજાણ્યા ઈસમો સાથે લોખંડની સાંકળ નાખી નુકસાન પહોંચાડી રહ્યા
હતા જ્યારે કર્મચારીએ તેઓને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીઓએ જણાવ્યું કે, તમારી
કંપનીએ પંચાયતને રૂપિયા આપ્યા છે, પણ અમને પર્સનલ આપવાના બાકી છે. તેમ કહી ખંડણી માગી
હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દાઠા પોલીસ ઇન્સ્પેક્ટર રેવરે જણાવ્યું કે
મુખ્ય આરોપી જગદીશ ખેરની અટકાયત કરાઈ છે અને અન્ય બે અજાણ્યા ઈસમોની શોધખોળ ચાલુ છે.