• શુક્રવાર, 26 જૂન, 2026

“અમારે શિક્ષણ મેળવવું છે, પણ સુરક્ષિત રસ્તો ક્યારે મળશે ?’’

પાલિતાણામાં શાળા પ્રવેશોત્સવ વખતે વિજાનાનેસ ગામના વિદ્યાર્થીઓનો દેખાવ

પાલિતાણા, તા. ર5: રાજ્ય સરકાર યોજીત ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમમાં પાલિતાણાના વિજાનાનેસ ગામે વિદ્યાર્થીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં બાળકોએ શિક્ષણ મેળવવા જતી વખતે પડતી રસ્તા, રાની પશુઓથી ભય સહિતની જીવલેણ મુશ્કેલીઓનો ચિતાર આપી તંત્રની પોલ ખોલી હતી.

ગામની શાળામાં યોજાયેલા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાળકો હાથમાં બેનરો લઈને પહોંચ્યા હતા. જેમાં તેમણે ગામથી શાળા સુધીનો પાકો રસ્તો અને વન્ય પ્રાણીઓના ત્રાસમાંથી મુક્તિની માગણી કરી હતી.  કાર્યક્રમમાં આવેલા અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો સમક્ષ વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, “અમારે શિક્ષણ મેળવવું છે, પણ સુરક્ષિત રસ્તો ક્યારે મળશે?’’ ગ્રામજનો અને વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, ગામથી શાળા સુધી પહોંચવા માટે કોઈ પાકો રસ્તો ઉપલબ્ધ નથી.

આ સ્થિતિમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાય છે જેમાં વિસ્તારમાં વન્ય પ્રાણીઓનું પ્રમાણ વધુ હોવાથી બાળકો એકલા શાળાએ આવી શકતા નથી. દરેક બાળકને મૂકવા માટે વાલીઓને ફરજિયાત રોજ સાથે આવવું પડે છે, જેના કારણે વાલીઓના રોજગાર પર પણ અસર પડે છે અને  દર ચોમાસામાં નદીના પાણી રસ્તા પર ફરી વળતા રસ્તો બંધ થઈ જાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક