• ગુરુવાર, 25 જૂન, 2026

પ્લાઝમા ભેળસેળ કૌભાંડના મુખ્ય આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

તપાસમાં મહારાષ્ટ્રની એજન્સીઓ પણ જોડાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.24 : અમદાવાદમાં ચાંગોદર ખાતેથી ગ્રામ્ય એસઓજીએ પકડેલા ડુપ્લિકેટ પ્લાઝ્મા રેકેટ મામલે તપાસનો વ્યાપ આગળ વધી રહ્યો છે. મુખ્ય આરોપી દિનેશના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે. 

દિનેશ ઉમાભાઈ ચૌધરી આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ છે. તે અગાઉ મુંબઈ ખાતે પ્લાઝ્મા કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતો હોવાથી બ્લડ બેન્કમાંથી દવા બનાવતી કંપનીઓમાં લઈ જવાતા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કથી સારી રીતે વાકેફ હતો. સામાન્ય સ્થિતિમાં દવા બનાવતી કંપનીઓ 25-30 પ્લાઝમા સેમ્પલ રીજેક્ટ કરી દેતી હોય છે. આ વાતની જાણ દિનેશને હોય તેણે આખું કૌભાંડ ઘડયું હતું. જીતેન્દ્ર બળદેવ સોલંકી તથા રફિક સલામભાઈ જે બન્ને ડ્રાઇવરનું કામ કરે છે તેઓ પ્લાઝમાના સેમ્પલ લઈને દિનેશે રાખેલા ગોડાઉનમાં લઈ જવાતા હતા. જેમાંથી તે અસલી 20-30 પ્લાઝમા પાઉચ કાઢી લેતો હતો અને બાદમાં ભેળસેળવાળા ડુપ્લિકેટ પ્લાઝમાં ઉમેરી દેતો હતો. ચોરાયેલા અસલી પ્લાઝમાનો મુંબઈના વાસીમના મોહન દાજીબા ગાયકવાડ દ્વારા સંગ્રહ કરાતો હતો અને ત્યાંથી વેચાણ પણ કરવામાં આવતું હતું. ગ્રામ્ય એસઓજીએ 11 લાખની કિંમતના 1,140 બ્લડ પ્લાઝમા જપ્ત કર્યા હતા. આ કૌભાંડમાં હવે મહારાષ્ટ્રની એજન્સીઓ અને ગુજરાતનું આરોગ્ય વિભાગ પણ સક્રિય રીતે જોડાયું છે, કારણ કે પ્રાથમિક તપાસમાં મહારાષ્ટ્રની બે બ્લડ બેન્કો ગજાનંદ અને વાસીમ રેકેટમાં સીધી રીતે સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે, જેના મારફતે પ્લાઝ્માનો સપ્લાય કરવામાં આવતો હતો. રાજ્યમાં આવેલી આશરે 700 જેટલી બ્લડ બેન્કોની કામગીરી પર પણ શંકાની સોય તણાઈ છે. આ સમગ્ર કેસમાં વધુ સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં ડીજીપીને વિસ્તૃત અહેવાલ સુપરત કરવામાં આવશે.  

ઇ-પેપરના નવા શુલ્ક