આ આફતનો દાયકો : નેધરલેંડમાં ભારતીય સમુદાયને સંબોધતા મોદીએ કહ્યું, દુનિયાની બહુ મોટી આબાદી ગરીબીની દલદલમાં ધકેલાશે
નવી
દિલ્હી, તા.16: પાંચ દેશોનાં વિદેશ પ્રવાસનાં બીજા ચરણમાં યુએઈથી નેધરલેંડ પહોંચેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેગ શહેરમાં ભારતીય સમુદાયને સંબોધતા સૂચક ચેતવણી ઉચ્ચારી
હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દુનિયા માટે આ દાયકો આફતનો દશકો છે. જો જલ્દી
સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી તે ભારે પડવાનું છે.
વર્તમાન
હાલત ઉપર દુનિયાને સાવચેત કરતાં મોદીએ કહ્યું હતું કે, પહેલા કોવિડ આવ્યો, પછી યુદ્ધો
શરૂ થઈ ગયા અને હવે આજે ઉર્જાની કટોકટી છે. આ દાયકો દુનિયા માટે આફતનો દાયકો બની રહ્યો
છે. જો આ સ્થિતિ જલ્દી નહીં સુધરે તો અનેક દાયકાઓમાં મળેલી સિદ્ધિઓ ઉપર પાણી ફરી વળશે.
દુનિયાની બહુ મોટી આબાદી ગરીબીની દલદલમાં ખૂંપી જશે. આ પહેલા હોદીએ 2017માં નેધરલેંડની યાત્રા કરી હતી
અને 6 વર્ષ બાદ ફરીથી નેધરલેંડ પહોંચેલા વડાપ્રધાનનું ભારતીય સમુદાય દ્વારા જોરદાર
સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ કહ્યું હતું કે, થોડા સમય માટે ભૂલી જાઓ કે તમે
નેધરલેંડમાં છો. આજનું ભારત મોટા સપનાં જુએ છે. ભારતે ચંદ્ર ઉપર જ્યાં કોઈ પહોંચ્યું
નથી ત્યાં પણ પહોંચીને ઈતિહાસ રચી દીધો છે જ્યારે
પણ નેધરલેંડનાં નેતૃત્વ સાથે વાતચીત થાય છે ત્યારે તેઓ હંમેશા ભારતીય સમુદાયની
પ્રશંસા કરે છે. ભારતીયોને નેધરલેંડનાં સમાજ અને અર્થતંત્રમાં યોગદાન ઉપર ગર્વ છે.
જો કે સમય સાથે કેટલીક ચીજો બદલાઈ ગઈ છે. તેમ છતાં ભારતીય સંસ્કૃતિ આજે પણ લોકોનાં
હૃદયમાં વસેલી છે.
ભારતીય
સમુદાયને સંબોધતા મોદીએ ભારતનાં ચાર મોટા લક્ષ્યોની વાત કરી હતી. તેમણે આગળ કહ્યું
હતું કે, 12 વર્ષ પહેલા 2014માં આજનાં દિવસે એટલે કે 16મી મેનાં રોજ કંઈક ખાસ થયું
હતું. આજનાં દિવસે જ લોકસભા ચૂંટણીનાં પરિણામો આવેલા. ભારતમાં લાંબા સમય બાદ પૂર્ણ
બહુમતવાળી સ્થિર સરકારની રચના પાક્કી થઈ હતી. એક એ દિવસ હતો અને એક આજનો દિવસ છે, ભારતવાસીઓનો
વિશ્વાસ મને અટકવા કે થાકવા દેતો નથી.
મોદીએ
કહ્યું હતું કે, આજે ભારતમાં દર મહિને 20 અબજથી વધુ યુપીઆઈ ટ્રાંઝેક્શન થાય છે. એટલે
કે, દુનિયામાં થતાં કુલ ડિજીટલ વ્યવહારોમાં અડધાથી વધુ ભારતમાં થાય છે. 12 વર્ષ પહેલા
દેશમાં પ00 કરતાં ય ઓછા સ્ટાર્ટઅપ હતાં અને હવે તે 2 લાખથી વધુ છે.