• શનિવાર, 16 મે, 2026

રાજકોટમાં 12 મંદિર પર બુલડોઝર : ભાવિકોમાં બઘડાટી મ્યુનિસિપલ તંત્રએ ‘ગુપચુપ’ રીતે મોડી રાત્રે બુલડોઝર ફેરવી દેતા ઉગ્ર વિવાદ

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.15 : રાજકોટ મહાપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓ ચાર્જ સંભાળે તે પૂર્વે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાની ગેરહાજરીમાં ગત મોડી રાત્રે કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખાએ મવડી વિસ્તારમાં રસ્તાઓ ઉપર નડતરરૂપ 12 ધાર્મિક બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેતા વિવાદ સર્જાયો છે.

કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ગત મોડી રાત્રે ‘ગુપચુપ’ શહેરના મવડી, નાનામવા તેમજ આસપાસના વિસ્તારોમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પાંચ પીએસઆઈ તથા 60થી વધુ પોલીસ કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાઈકોર્ટના આદેશને અનુસરીને ટ્રાફિકને અડચરણરૂપ અને જાહેર માર્ગો ઉપર આવતાં નાના મંદિરો અને હનુમાનજી ડેરી તોડી પાડવામાં આવ્યાં હતાં.

ડિમોલિશનની કામગીરી રાત્રે દોઢ વાગ્યાથી શરૂ કરીને સવારે પાંચ વાગ્યા સુધી ચાલુ હતી. કુલ 12 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાયાં હતાં. મોડી રાત્રે શરૂ થયેલી આ કાર્યવાહીની સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. વહેલી સવારે લોકોને ઘટનાની જાણ થતાં અનેક વિસ્તારોના લોકો એકત્ર થયાં હતાં જો કે, પોલીસ બંદોબસ્તના કારણે કોઈ અનિચ્છિનીય ઘટના ઘટી ન હતી. જો કે, ડિમોલિશનને લઈને ભારે વિરોધ ઉઠતાં કોર્પોરેશને તેની સત્તાવાર વિગતો જાહેર કરી ન હતી. સમગ્ર ઘટનાક્રમના રાજકીયક્ષેત્રે પણ ગંભીર પડઘા પડયાં હતાં.

ક્યાં ક્યાં મંદિરોના દબાણ હટાવાયા ?

1.         વોર્ડ 9માં હનુમાનજીની ડેરી 12.00 મી. ટી.પી. રોડ

2.         વોર્ડ 9માં હનુમાનજીની ડેરી, અમૃતા હોસ્પિટલ વાળી શેરી, યોગીનગર મેઈન રોડ, રૈયા ચોકડી પાસે,

3.         વોર્ડ 11માં મામા સાહેબ-મેલડીમાં મંદિર, માયાણી આવાસ યોજનાની બાજુમાં,

4.         વોર્ડ 11 અંજની નંદન પવનપુત્ર હનુમાનજી મંદિર,માયાણી આવાસ યોજના, ગેલેક્સી એલીમ્બ્સ હોસ્ટેલની સામે,

5.         વોર્ડ 11માં ઉગતાપોરની મેલડીમાં મંદિર, વિશ્વનગર-3, માયાણી આવાસ યોજનાની બાજુમાં

6.         વોર્ડ 11માં હનુમાનજી મંદિર, ઉદય નગર-1, શેરી નં.13, મવડી

7.         વોર્ડ 11માં કષ્ટભંજન હનુમાનજી મહારાજ મંદિર, ઉદય નગર-1, શેરી નં.17, મવડી

8.         વોર્ડ 11માં કેશરિયા હનુમાનજી મંદિર, ભક્તિનંદન એપાર્ટમેન્ટની બાજુમાં, જ્યોતિ કોમ્પલેક્સની સામે, ઉદયનગર-16, મવડી મેઈન રોડ,

9.         વોર્ડ 11માં જય બાલાજી મંદિર, માનસ ફૂટવેર (જય ભવાની જ્વેલર્સ), મવડી મેઈન રોડ

10.       વોર્ડ 8માં હનુમાનજી મંદિર, માયાણી ચોક, બેકબોન શાપિંગ સેન્ટર,

11.       વોર્ડ 8 માતાજી મંદિર, આર.એમ.સી., વેસ્ટ ઝોન રોડની બાજુમાં, ચંદ્ર પાર્ક, સોસાયટી, નાનામવા

12.       વોર્ડ 8 હનુમાન મંદિર, વોકહાર્ટ હોસ્પિટલની સામે, કાલાવડ રોડ, કે.કે.વી. હોલની પાસે,

મંદિરો પાડીને શું ફાયદો? : ભાવિકો

જે મંદિર તોડવામાં આવી રહ્યું છે તેનાથી 500 મીટર દૂર રસ્તામાં દરગાહ આવેલી હોવા છતાં તેને નોટિસ ન આપી માત્ર હિન્દુ સમાજની લાગણી દુભાય તે પ્રકારનું કામ કરવામાં આવ્યું છે. આજે જે કોર્પોરેટરો છે, જે સત્તામાં છે તેઓ આરામથી સૂતા છે એમને હવે જનતાની પડી નથી. મંદિર પાડીને તમે શું સાબિત કરવા માગો છો ? સનાતનના નામે સત્તા ઉપર આવ્યાં છો તો પછી હિન્દુઓના મંદિરો પાડીને શું ફાયદો ?

- હિતેશ ડાભી (સ્થાનિક રહેવાસી)

 

કેસરિયા હનુમાન મંદિરના ડિમોલિશન વખતે રામધૂન બોલાવી લોકોનો વિરોધ

માલવિયાનગર પોલીસ સ્ટેશનની નજીક મવડી મેઈન રોડ ઉપર ઉદયનગર પાસે કેસરિયા હનુમાન મંદિર હટાવવા જતાં કોર્પોરેશન અને પોલીસ સ્ટાફ સાથે સ્થાનિક રહેવાસીઓનું ઘર્ષણ થયું હતું. મંદિર ન તોડવા ભાવિકોએ રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ કર્યો હતો. સતત ચાર કલાક સુધી મંદિર બહાર બેસી રહીને બાદમાં ટાઉન પ્લાનીંગ વિભાગના અધિકારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી હતી. જો કે, બાદમાં સ્થાનિકોએ જાતે 48 કલાકમાં મંદિર નાનું કરવાની ખાતરી આપતાં ઓટાનું આશિંક દબાણ દૂર કરાયું હતું.

 

જન પ્રતિનિધિઓએ ધાર્યુ હોત તો ડિમોલીશન અટકી શકત : વિહીપ

ડિમોલીશન પૂર્વે મનપાના નવનિયુક્ત કોર્પોરેટરો તથા રાજકોટના ધારાસભ્યોને વિહીપ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું કે એકપણ મંદિર રસ્તા ઉપર નડતરરૂપ નથી છતાં કોર્પોરેશને ડિમોલિશન કરી નાખ્યું છે. જો તંત્ર અને જનતાના પ્રતિનિધિઓએ ધાર્યુ હોત તો ડિમોલિશન અટકાવી શકાયું હોત.

- મંગેશ દેસાઈ,

અગ્રણી વિશ્વ હિન્દુ પરિષદ

 

 

ઇ-પેપરના નવા શુલ્ક