• શનિવાર, 16 મે, 2026

કલોલ : ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ શ્રમિકનું ગેસ ગળતરને કારણે મૃત્યુ એક શ્રમિકની હાલત ગંભીર : શ્રમિકોની સુરક્ષાને લઈને ઉઠયા સવાલ

ગાંધીનગર, તા.15: કલોલના સઈજ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી મફતલાલ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં 14 મેની રાત્રે ઈટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરતા સમયે ઝેરી ગેસના ગળતરને કારણે ત્રણ પરપ્રાંતીય શ્રમિકોના મૃત્યુ નીપજ્યા હતા. અન્ય એક શ્રમિક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે.

કંપનીના યુનિટ નં. સી/15થી 18માં તાડપત્રીના કાપડ પર કલર કામ દરમિયાન નીકળતા રંગીન પાણીના શુદ્ધિકરણ માટે બનાવવામાં આવેલી આરસીસીની અંડરગ્રાઉન્ડ ટાંકીની સફાઈ કામગીરી 14 મેની રાત્રે શરૂ કરવામાં આવી હતી. ટાંકીમાંથી પાણી કાઢ્યા બાદ અંદર જમા થયેલો કાદવ અને કચરો દૂર કરવા માટે શ્રમિકો એક પછી એક ટાંકીમાં ઉતર્યા હતા. 

ગેસ ગળતરને કારણે મધ્યપ્રદેશના અમિત પ્રીતમ પરીહાર (ઉં.32), ઉત્તર પ્રદેશના અમરકુમાર શ્રીવાસ્તવ (ઉં.33) અને શિવનાથ રામશંકર દુબે (ઉં.44)ના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે અનિલ ભગવાન લોધી હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા કલોલ તાલુકા પોલીસ અને અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. એફએસએલની મદદથી ટાંકીમાં રહેલા ઝેરી ગેસ અંગે તપાસ કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં કંપની દ્વારા શ્રમિકોને જરૂરી સેફ્ટી ગિયર્સ, માસ્ક અથવા ઓક્સિજન સિલિન્ડર જેવી સુરક્ષા સુવિધા આપવામાં આવી હતી કે નહીં? તે મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પરપ્રાંતથી રોજગાર માટે આવેલા યુવાનોના મૃત્યુથી શ્રમિક વર્ગમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે. જ્યારે કંપનીની બેદરકારી સમગ્ર ઘટનાની તપાસનું કેન્દ્ર બની છે.

ઇ-પેપરના નવા શુલ્ક