આજે ધર્મશાળામાં બે ધુરંધર ટીમનો મુકાબલો : 3.30થી થશે પ્રસારણ
ધર્મશાળા,
તા. 16 : પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રવિવારે બપોરે હિમાચલ પ્રદેશ
ક્રિકેટ એસોસિયેશનના સ્ટેડિયમમાં આઇપીએલનો 61મો મેચ રમાશે. આ મેચમાં આરસીબીનું લક્ષ્ય
મેચ જીતીને પ્લેઓફની ટીકિટ નક્કી કરવાનું રહેશે.
આઇપીએલ
2025ના ફાઇનલિસ્ટ વર્તમાન સીઝનમાં પહેલી વખત એકબીજાનો સામનો કરશે. ગત વખતે જ્યારે બન્ને
ટીમ આમને સામને હતી ત્યારે આરસીબીએ બાજી મારીને ખિતાબ નામે કર્યો હતો. હવે વર્તમાન
સીઝનમાં બન્ને ટીમ અલગ અલગ સ્થિતિમાં છે. પંજાબ કિંગ્સે વર્તમાન સીઝનની શાનદાર શરૂઆત
કરતા શરૂઆતી સાતમાંથી એક પણ મેચ ગુમાવ્યો નહોતો જ્યારે એક મુકાબલો વરસાદથી ધોવાયો હતો.
જો કે છેલ્લા અમુક અઠવાડિયામાં લય બગડી છે અને ટીમને સતત પાંચ હારનો સામનો કરવો પડયો
છે. પંજાબ 12 મુકાબલામાં 13 પોઇન્ટ સાથે ચોથા ક્રમાંકે છે. તેવામાં પંજાબ પણ પ્લેઓફમાં
જગ્યા મેળવવા પૂરી રીતે મહેનત કરશે.
બીજી
તરફ 12માથી 8 મેચ જીતીને આરસીબી પોઇન્ટ ટેબલમાં ટોચનાં સ્થાને છે. ટીમ પાસે 16 અંક
છે. તેવામાં એક જીત આરસીબીને પ્લેઓફની ટીકિટ અપાવી શકે છે. આરસીબીની કોશિશ કિંગ્સ સામે
જીત સાથે ટોપ-2માં જગ્યા બનાવવાની રહેશ. પંજાબ અને બેંગલોર આઇપીએલના ઇતિહાસમાં 37 વખત
આમને સામને થયા છે. જેમાં આરસીબીએ 19 અને પંજાબે 18 મુકાબલા નામે કર્યા છે.