• રવિવાર, 17 મે, 2026

CECની નિયુક્તિ સમિતિમાં CJIની મોજૂદગી જરૂરી નથી : સરકાર

ચૂંટણી કમિશનરની નિયુક્તિમાં ન્યાયિક પ્રતિનિધિત્વ અનિવાર્ય ન હોવાનું સુપ્રીમને જણાવતી સરકાર

નવીદિલ્હી, તા.16 : મુખ્ય ચૂંટણી કમિશનર(સીઈસી) અને ચૂંટણી કમિશનરોની નિયુક્તિ માટેની સમિતિમાંથી દેશનાં મુખ્ય ન્યાયાધીશ(સીજેઆઈ)ને હટાવવાના નિર્ણયને ઉચિત ઠરાવતા કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે, બંધારણમાં ચૂંટણી કમિશનરની નિયુક્તિ સમિતિમાં ન્યાયિક પ્રતિનિધિત્વ અનિવાર્ય નથી અને ન્યાયપાલિકાનું પ્રતિનિધિત્વ કરતાં કોઈપણ સદસ્યને સામેલ કરવા એક વિધાયકી વિકલ્પ છે, તે કોઈ બંધારણીય અનિવાર્યતા નથી.

ચૂંટણી કમિશનરની નિયુક્તિ પ્રક્રિયામાં વધુ સ્વતંત્રતા લાવવાનાં ઉદ્દેશથી 2023માં સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની પીઠે આપેલા એક ફેંસલામાં વચગાળાના ઉપાય તરીકે જ્યાં સુધી કોઈ કાયદો ન ઘડાય ત્યાં સુધી નિયુક્તિઓ માટે એક પેનલની રચના કરી હતી અને તેમાં પ્રધાનમંત્રી, સીજેઆઇ અને વિપક્ષના નેતાને સામેલ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ ચૂંટણી કમિશનરની નિમણૂક માટે બનેલા કાયદામાં સમિતિમાં પ્રધાનમંત્રી, એક કેબિનેટ મંત્રી અને વિપક્ષના નેતાને સામેલ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. આમાંથી સીજેઆઇની બાદબાકી કરી નાખવામાં આવી હતી. આ કાયદાની કાયદેસરતનાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. જેની સુનાવણીમાં કેન્દ્ર સરકારે સોગંદનામું કરીને અરજદારના એવા તર્કને ખારિજ કર્યો હતો કે, સીજેઆઈનાં સ્થાને કેબિનેટ મંત્રીને સામેલ કરવાથી ચૂંટણી કમિશનરની સ્વતંત્રતાને આંચ આવશે. સરકારે કહ્યું હતું કે, સંસદે પસાર કરેલા કાયદામાં કોઈ ખામી નથી અને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી ક્યારેય પણ પ્રભાવિત નથી થઈ જ્યારે નિયુક્તિઓ સંપૂર્ણપણે કાર્યપાલિકા દ્વારા કરવામાં આવતી હતી ત્યારે પણ કોઈ સમસ્યા આવી નથી. અગાઉના તમામ મુખ્ય ચૂંટણી કમિશરની નિમણૂકો કાર્યપાલિકા તરફથી કરવામાં આવી હતી અને નિયુક્તિઓમાં કાર્યપાલિકાનાં વિશેષાધિકાર અને સંસ્થાગત સ્વતંત્રતાની કમી વચ્ચે જે સાંઠગાંઠની શંકા કરવામાં આવી રહી છે તે નરી કલ્પના છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક