• રવિવાર, 17 મે, 2026

પોરબંદરમાં ચરસ અને સુરતમાં એમ.ડી. ડ્રગ્સ ઝડપાયું સુરતમાં બે ખેપિયા ઝડપાયા : ફરાર સપ્લાયરની શોધખોળ

પોરબંદર, સુરત, તા.16 : પોરબંદરનાં રાતડી ગામના દરિયાકિનારે સ્મશાન નજીકથી એસ.ઓ.જી. પોલીસને પેટ્રાલિંગ દરમિયાન 1 કિલો 215 ગ્રામ બિનવારસુ ચરસનું પેકેટ મળી આવ્યું છે, જેની અંદાજિત કિંમત 3,03,750 રૂપિયા થાય છે. એસ.ઓ.જી. ઇન્સ્પેક્ટર એમ.એન. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ મિયાણી મરિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે દાણચોરો દ્વારા દરિયામાં ફેંકી દેવાયેલ આ ડ્રગ્સનો જથ્થો પ્રવાહમાં તણાઈને કિનારે આવ્યો હોવાની શક્યતા છે. આ મામલે મિયાણી મરીન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે, સાથે જ પોલીસે સ્થાનિક માછીમારો અને જનતાને અપીલ કરી છે કે દરિયાકિનારે આવી કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તુરંત પોલીસને જાણ કરવી.

બીજા દરોડામાં સુરતની ચોકબજાર પોલીસે વેડ દરવાજા પાસેનાં ખુલ્લા મેદાનમાંથી 22.6 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે બે શખસ પરવેઝ ઝહીર શેખ અને સમીર ગંભીર પટેલને ઝડપી પાડયા છે. પોલીસ દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી 69,800ની કિંમતનું ડ્રગ્સ, વાહન અને મોબાઇલ સહિત કુલ 1,42,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પૂછપરછમાં આ નશીલો પદાર્થ મુંબઈના સાદભાઈ મારફતે જોખમ નામની વ્યક્તિ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત મળતા, પોલીસે આ બન્ને સપ્લાયરોને વોન્ટેડ જાહેર કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક