ઈરાનનાં નેતૃત્વની આંતરિક ખેંચતાણમાં અરાઘચીને હટાવવામાં આવે તેવી શક્યતા
નવી
દિલ્હી, તા.1: અમેરિકા સામે ઘર્ષણ અને તનાવ વચ્ચે ઈરાનમાં નેતૃત્વની આંતરિક ખેંચતાણ
પણ હવે ગંભીર વળાંકે આવી ગઈ છે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કીયાન અને સંસદનાં સ્પીકર મોહમ્મદ
બાકેર ગાલિબફે કથિતરૂપે વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીને પદથી હટાવવાની માગ ઉઠાવી હોવાનું
જાણવા મળે છે. બીજીબાજુ અમેરિકા હોર્મુઝની નાકાબંધી નહીં હટાવવા માટે મક્કમ દેખાતા
ઈરાન હવે ચીનને ઓઈલ પહોંચાડવા માટે અન્ય વિકલ્પો અજમાવી જોવાની તૈયારીમાં છે. આમાં
ટ્રેનથી ઓઈલ પહોંચાડવાનો પણ વિચાર થઈ રહ્યો છે.
ઈરાની
નેતૃત્વમાં આંતરિક તનાવ મુદ્દે આવતા અહેવાલો અનુસાર પેઝેશ્કીયાન અને ગાલિબફે અરાઘચી
ઉપર આરોપ મૂક્યો છે કે, તેમણે રાષ્ટ્રપતિ પદની અવગણના કરીને રિવોલ્યુશ્નરી ગાર્ડનાં
નિર્દેશોનું પાલન કર્યુ છે. અરાઘચી વાહિદી સાથે સમન્વયમાં કામ કરી રહ્યાં છે અને રાષ્ટ્રપતિને
જાણ કર્યા વિના તેનાં નિર્દેશ ઉપર નીતિઓ લાગુ કરી રહ્યાં છે. જેને પગલે હવે તેમને પદ
ઉપરથી હટાવવાની માગણી ઉઠી છે.
બીજીબાજુ
અમેરિકા પરમાણુ સમજૂતી વગર હોર્મુઝ ખોલવાનાં પ્રસ્તાવ ઠુકરાવી રહ્યું છે. હોર્મુઝ બંધ
થવાનાં કારણે જ ક્રૂડ ઓઈલનાં વૈશ્વિક ભાવ કાળઝાળ બની ગયા છે. ચીન પોતાની ઊર્જાની જરૂરિયાતમાંથી
ત્રીજા ભાગની આયાત હોર્મુઝનાં માર્ગેથી કરે છે. નાકાબંધીનાં કારણે ચીનની હાલત પણ પાતળી
થઈ ગઈ છે. ત્યારે ઈરાન હવે ચીનમાં ઓઈલ નિકાસ માટે પોતાની પાસેનાં વિકલ્પો ચકાસી રહ્યું
છે. જેમાં રેલ માર્ગે ચીનમાં ઓઈલ મોકલવા અને જમીન માર્ગેથી પાકિસ્તાન અને કાકેશસથી
ખાદ્યસામગ્રીની આયાત કરવા સહિતનાં વિકલ્પોની વિચારણા ઈરાન કરે છે. જો કે ઈરાન આ માર્ગેથી
ફક્ત 40 ટકા જેટલો કારોબાર જ વાળી શકવાની સ્થિતિમાં છે.