તૃણમૂલ કોંગ્રેસને એક દિવસમાં ત્રણ જોરદાર ઝટકા લાગ્યા: કેન્દ્રિય કર્મચારીઓની નિયુક્તિ મુદ્દે તૃણમૂલ સુપ્રીમમાં
નવીદિલ્હી,તા.1: પશ્ચિમ બંગાળ
વિધાનસભા ચૂંટણીનાં પરિણામો ઘોષિત થવા આડે હવે માત્ર ત્રણ દિવસ છે અને તે પહેલા રાજ્યનાં
શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસને 24 કલાકમાં જ 3 મોટા ઝટકા લાગ્યા છે.
એકબાજુ મોટાભાગનાં એક્ઝિટ પોલમાં
તૃણમૂલને નિરાશા હાથ લાગતી જોવા મળી રહી છે. તો ગુરુવારે રાતે મુખ્યમંત્રી મમતા બેનરજીનાં
ગઢ મનાતા ભવાનીપુરમાં જોરદાર ડ્રામા થયો હતો અને ચૂંટણી પંચે ઈવીએમમાં ગડબડનાં તૃણમૂલનાં
આરોપ અને દાવાઓ ફગાવી દીધા હતાં.
ગુરુવારે કલકત્તા હાઈકોર્ટે બંગાળની
વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી નિરીક્ષક તરીકે કેન્દ્રીય કર્મચારીઓની નિયુક્તિ કરવાનાં
પંચનાં આદેશને પડકારતી એક અરજીને ખારિજ કરી નાખી હતી. અદાલતે કહ્યું હતું કે, મતગણતરીમાં
નિરીક્ષક કે સહાયક તરીકે નિયુક્તિમાં પંચે કરેલા નિર્ણયમાં કોઈ ગેરકાનૂની બાબત નથી.
હાઈકોર્ટમાંથી નિરાશા હાથ લગતાં આ મુદ્દાને લઈને તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી
ગઈ હતી અને તાત્કાલિક સુનાવણીની માગણી કરી હતી.
ગુરુવારે જ હાઈકોર્ટે તૃણમૂલનાં
ઉમેદવાર જાવેદ અહેમદની એક અરજી પણ રદ કરી નાખી હતી જેમાં પંચ દ્વારા કસ્બા વિધાનસભા
ક્ષેત્ર માટે મત ગણતરી કેન્દ્ર બદલવાનાં નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આમાં પણ કોઈ
ગેરકાયદેસર કાર્યવાહી અદાલતને જોવા મળી નહોતી.
જ્યારે 30મીની સાંજે ભવાનીપુરમાં
માહોલ ગરમ થઈ ગયો હતો. મમતા બેનરજી પોતે ભવાનીપુર સ્થિત સ્ટ્રોંગ રૂમ પહોંચી ગયા હતાં
અને તે પહેલા પક્ષનાં ઉમેદવાર કુણાલ ઘોષ અને શશિ પાંજાએ અનિયમિત ગતિવિધિનાં આરોપ લગાવીને
ત્યાં ધરણાં પ્રદર્શન શરૂ કરી દીધા હતાં. તૃણમૂલનાં નેતાઓએ આરોપ મૂક્યો હતો કે, સીસીટીવી
કેમેરામાં જીવંત પ્રસારણ દરમિયાન સ્ટ્રોંગરૂમની અંદર બહારનાં લોકોની મોજૂદગી દેખાઈ
હતી અને તે મતપત્ર સાથે છેડછાડ કરતાં જોવા મળ્યા હતાં. જો કે પંચે તેનો આ આરોપ પણ નકારી
કાઢ્યો હતો.