• શનિવાર, 02 મે, 2026

આઠ નવી સ્માર્ટ GIDCની જાહેરાત સાથે વાયબ્રન્ટ સુરત સમિટનો આરંભ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કોન્ફરન્સ ખૂલ્લી મૂકાઇ : બે દિવસ દરમિયાન કરોડોના એમઓયુ થશે

 સુરત તા. 1: (ફૂલછાબ ન્યૂઝ) ગુજરાત સ્થાપના દિને સુરતમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ શરૂ થઈ અને ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી. આ સાથે કરોડોના રોકાણ ઉત્સવનો આરંભ થયો છે. ઇવેન્ટ બે દિવસ ચાલવાની છે. વાયબ્રન્ટ કોન્ફરન્સના પ્રથમ દિવસે મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આઠ નવી સ્માર્ટ જીસીડીસીની જાહેરાત કરાઈ છે. પ્રથમ દિવસે સુરત કટ ડાયમંડને મળેલા જીઆઇ ટેગ પર ભારતીય ટપાલ વિભાગ દ્વારા વિશેષ કવરનું વિમોચન કરાયું હતું. 

       દક્ષિણ ગુજરાતના છ જિલ્લાને કેન્દ્રમાં રાખતી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુક્રવારથી આરંભ કરવામાં આવ્યો હતો. સુરતની પ્રાદેશિક વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં મસમોટા ફંડના એમઓયુ (સમજૂતી કરાર) થવાની આશા છે. આરંભે સુરતનો ઇકોનોમિક માસ્ટર પ્લાન રજૂ કરાયો હતો.  

વાપીથી લઈને અંકલેશ્વર સુધી સ્થપાયેલા ફાર્મા અને કેમીકલ એકમોમાં કઈ રીતે વિકાસના નવા પરિમાણો હાંસલ કર્યા છે તેની માહિતી આપવામાં આવી હતી. સુરતમાં કટીંગ અને પોલિશ્ડ થતાં દુનિયાનાં દસમાંથી નવ હીરાથી આગળ વધીને કઈ રીતે શહેર જ્વેલરી મેન્યુફેક્ચારિંગમાં આગળ વધી રહ્યું છે તે વિશે રોકાણકારોને માહિતીગાર કરી સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ પુરુ પાડવાનો સરકારે પ્રયાસ કર્યો હતો. 

મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ઇન્ફ્રાન્સ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે આઠ નવી સ્માર્ટ જીઆઇડીસીની જાહેરાત કરવામાં આવી હતી. ભુપેન્દ્રભાઈ પટેલે  સંબોધનમાં ટાંક્યું હતું કે, દક્ષિણ ગુજરાત સદીઓથી આર્થિક કેન્દ્રનું દ્વાર રહ્યું છે. ભરૂચ અને સુરતના બંદરથી વિકાસની ગાથા શરૂ થઈ છે. સરકારે દરિયાકિનારાને બંદરોને વિકસાવીને વિકાસને નવી દિશા આપી છે. દેશના 40 ટકા કાર્ગોનું સંચાલન એકલું ગુજરાત કરે છે. ગુજરાતની અપાર ક્ષમતાથી દેશ અને દુનિયા અવગત છે. ગુજરાતે ટકાઉ વિકાસની નીતિ અપનાવી છે. જેના કારણે ઉદ્યોગોની સાથે સામાજિક જીવનમાં પણ મોટો બદલાવ આવ્યો છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાથી ગુજરાત મોટા વિદેશી રોકાણ મેળવવામાં સફળ રહ્યું છે. 

કેન્દ્રીય પ્રધાન હરદીપાસિંહ પુરીએ કહ્યું હતું કે, મધ્ય-પૂર્વની બગડેલી સ્થિતિથી સૌ કોઈ અવગત છે. સરકારની પ્રાથમિકતા ઇંધણ અને ગેસનો પુરવઠો બરાબર ચાલુ રહે અને લોકોને અગવડ ન પડે. ક્રુડ, એલપીજી, ડિઝલ, પેટ્રોલ, ઉડ્ડયનના ઇંધણના પુરવઠાની સ્થિતિથી પર સરકારની દેખરેખ બરાબર છે. કેન્દ્રિય જળશક્તિપ્રધાન સી.આર. પાટીલે ગુજરાત અને રાજ્યના ઉદ્યોગ સાહસિકોના સિંહ ફાળાને ગણાવતા કહ્યું હતું કે, હવે ઔદ્યોગિક પાણીના વપરાશને લઈને જાગૃત થવાની જરૂર છે. જમીનમાંથી પાણી ખેંચવાને બદલે જમીની સ્તરના પાણીનો બહેતર ઉપયોગ કરવો આવશ્યક છે. 

નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાત દેશની આર્થિક પ્રગતિમાં ગ્રોથ એન્જિન તરીકે કામ કરી રહ્યું છે. તેમણે રાજ્યના આર્થિક વિકાસનો ચિતાર આપ્યો હતો. પ્રથમ વાઇબ્રન્ટ સમિટમાં થયેલા એમઓયુ અને કરારની સંખ્યાની સાથે વર્ષ 2024 સુધીની સમિટની માહિતી આપી હતી. તેમણે રાજ્યના વિકાસમાં એમએસએમઈ એકમોનો ફાળો મહત્વનો છે તે ટાંક્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક