દિલ્હી, મુંબઈમાં 19 કિલોના બાટલાની કિંમત 3000ને પાર : આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ માટે ATFમાં પાંચ ટકાનો વધારો
નવી
દિલ્હી, તા. 1 : પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થતા જ લોકોને મોટો ઝટકો
લાગ્યો છે. પહેલી મેથી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયા જેટલો વધારો
કરી દેવાયો છે. દિલ્હી અને મુંબઈમાં કોમર્શિયલ
બાટલો 993 રૂપિયા, કોલકાતામાં 994 રૂપિયા મોંઘો થયો છે. જો કે ઘરેલુ એલપીજી સિલિન્ડરની
કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ માટે એટીએફની
કિંમતમાં પણ 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
આઈઓસી
અનુસાર કિંમતમાં બદલાવ માત્ર અમુક ઈન્ડસ્ટ્રીયલ સેગમેન્ટ સુધી સીમિત રાખવામાં આવ્યો
છે. જેનો ઉપયોગ ખૂબ ઓછો છે. કંપનીએ વધુ જાણકારી
આપ્યા વિના એટલું કહ્યું હતું કે જથ્થાબંધ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડર, જેનો કુલ
ઉપયોગ એક ટકાથી ઓછો છે તેમાં ભાવ ફેરફાર કરાયો છે. જ્યારે 33 કરોડ ઉપભોક્તાઓના ઘરેલુ
એલપીજીની કિંમત યથાવત્ રાખવામાં આવી છે. કુલ મળીને પેટ્રોલિયમ ઉત્પાદના 80 ટકા હિસ્સાની
કિંમત યથાવત્ છે.
ઈન્ડિયન
ઓઈલ દ્વારા જાહેર રેટ અનુસાર દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 993 રૂપિયા મોંઘો થઈને
3071.50 રૂપિયા, આગરામાં 3125.5 રૂપિયા, લખનઉમાં 3194 રૂપિયા થયો છે. વધુમાં મે મહિનાથી
એલપીજી ગેસ સિલિન્ડરની ડિલીવરી ઓથેંટિકેશન કોડ સિસ્ટમને વધારે સખત કરવામાં આવી છે.
નવા નિયમ અનુસાર ડિલીવરી કરનારા ઘરે સિલિન્ડર લઈને આવે ત્યારે રજીસ્ટર્ડ નંબર ઉપર ઓટીપી
આવશે. આ ઓટીપી બતાવ્યા વિના ડિલીવરી પુરી માનવામાં આવશે નહી.
આ
ઉપરાંત આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ માટે એટીએફ (જેટ ફ્યૂલ)ની કિંમતમાં પાંચ ટકાની વૃદ્ધિ
થઈ છે. આ રીતે સતત બીજા મહિને એટીએફની કિંમતમાં ઉછાળો આવ્યો છે. જો કે ઘરેલુ એરલાઈન્સ
માટે એટીએફની કિંમતમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી તેવામાં અનુમાન છે કે ઘરેલુ ઉડાન
માટે ભાડું વધશે નહી.