ટીપ આધારિત લૂંટની શંકા : કર્મચારીઓની હિલચાલની લુટારુઓને પહેલેથી જ હતી જાણ, નકલી કસ્ટમ ઓફિસર બની ખેલ પાડયો
રાજકોટ,તા.6: રાજકોટના સોની બજારની
જાણીતી પેઢી ‘કે.વી. એન્ડ સન્સ’ના કર્મચારીઓ બિહારમાં જંગી સોનાના જથ્થા સાથે લૂંટાયા
હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. અંદાજે 17 કિલો સોનાના દાગીના, જેની બજાર કિંમત
આશરે 25 કરોડ રૂપિયા હોવાનું મનાય છે, તેની લૂંટ કરીને તસ્કરો ફરાર થઈ ગયા છે. આ ઘટનાએ
રાજકોટ સહિત રાજ્યભરના સુવર્ણકારોમાં ફફડાટ ફેલાવી દીધો છે.
મળતી માહિતી મુજબ, પેઢીના બે
વિશ્વાસુ કર્મચારીઓ મહેશ મામતોરા અને પ્રિન્સ રાણપરીયા સોનાના દાગીનાની ડિલિવરી આપવા
માટે રાજકોટથી બિહારના પટના ગયા હતા. શનિવારે જ્યારે તેઓ પટનાના દાનાપુર રેલવે સ્ટેશન
પર ઉતર્યા, ત્યારે પૂર્વ આયોજિત કાવતરા મુજબ કાર અને બાઈક પર સવાર 8 જેટલા શખ્સોએ તેમને
આંતર્યા હતા. આ લુટારુઓએ પોતાને ‘કસ્ટમ વિભાગના અધિકારી’ તરીકે ઓળખાવી કર્મચારીઓ પાસે
દાગીનાના બિલ અને કાગળોની માગણી કરી હતી.
તપાસના બહાને લુટારુઓએ બંને કર્મચારીઓને
બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધા હતા અને અપહરણ કરીને નિર્જન સ્થળે લઈ ગયા હતા. ત્યાં
કર્મચારીઓને ડરાવી-ધમકાવીને 17 કિલો સોનાના દાગીના ભરેલી બેગ આંચકી લીધી હતી. લૂંટ
ચલાવ્યા બાદ લુટારુઓ બંને કર્મચારીઓને રસ્તા પર જ છોડીને પલાયન થઈ ગયા હતા.
ઘટના બાદ ભોગ બનનાર કર્મચારીઓએ
તાત્કાલિક પેઢીના માલિકને જાણ કરી હતી અને ત્યાર બાદ બિહાર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં
આવી હતી. પટના પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ આ મામલે સ્પેશિયલ ટીમ બનાવીને તપાસ શરૂ કરી
છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ટીપ આધારિત લૂંટ હોવાનું જણાય છે, જેમાં કોઈને કર્મચારીઓની
મૂવમેન્ટ વિશે ચોક્કસ જાણકારી હોય તેવી શક્યતા છે.
રાજકોટ સોની બજારના વેપારીઓ આ
ઘટનાથી સ્તબ્ધ છે અને લુટારુઓને વહેલી તકે પકડવા તેમજ સોનાનો જથ્થો પરત મેળવવા માટે
બિહાર પોલીસ અને સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે.