• મંગળવાર, 07 એપ્રિલ, 2026

રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતની RTO કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી

- ઓફિસો ખાલી કરાવાઇ, ટ્રેક ટેસ્ટ માટે આવેલા હજારો લોકોને પરત મોકલાયા : તપાસને અંતે ધમકી વધુ એક વખત પોકળ પુરવાર

 

રાજકોટ, તા.6:  રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત આરટીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. જેના લીધે પોલીસ, એસઓજી સહિતની સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. ધમકી મળતા આરટીઓ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. તેમજ ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકોને ઘરે પરત મોકલી દેવાયા હતા અને  પોલીસે બોમ્બ અને ડોગ સ્કવોડને સાથે રાખી તપાસ કરી હતી. 

રાજકોટ અને વડોદરા આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ આજે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે આવેલા 500 અરજદારોને પાછા ફરવું પડયું છે. તેઓને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે હવે પછીની તારીખ અપાશે રાજકોટ આરટીઓમાં રોજ 500 જેટલા અરજદારો ટુ-વ્હીલર અને ફોર વ્હીલરની ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવે છે. જેમને પાછા મોકલાયા છે. તેમજ કચેરીને ખાલી કરાવીને સઘન તપાસ કરવામાં આવી રહ્યુ છે. રાજકોટમાં આરટીઓમાં બોમ્બ-ડોગ સ્કવોડથી તપાસ હાથ ધરવામાં આવી છે. બોમ્બ અને ડોગ સ્કવોડે તમામ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સુરત: સુરતની આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેઈલ મળતા પોલીસ દોડતી થઈ હતી. સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક આખી કચેરી અને પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. ઘટના અંગે જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને એસઓજી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ આરટીઓ કચેરી પરિસરમાં ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી. સઘન સર્ચ ઓપરેશન બાદ પોલીસને કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી.

અમદાવાદ: સોમવારે અમદાવાદના સુભાષબ્રીજ નજીક હિમાલય એલાન્ઝા કોમ્પ્લેક્સમાં આવેલી આર.ટી.ઓ. કચેરીમાં ઝેરી ગેસ ભરેલા 13 બોમ્બ 12.50 કલાકે ફૂટશે તેવો ઈ-મેઇલ મળતા તંત્રમાં હડકંપ મચી ગયો હતો. અજ્ઞાત ધમકીને પગલે પોલીસ તથા ડોગ તથા બોમ્બ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી. તાત્કાલિક અસરથી સમગ્ર કચેરી ખાલી કરાવવામાં આવી હતી અને ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરાઈ હતી. થોડીવાર માટે અરજદારો અને કર્મચારીઓને જીવ પડીકે બંધાયા હતા પરંતુ તપાસમાં કંઈજ નહીં મળ્યું હોવાથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

જામનગર : જામનગરમાં આરટીઓ કચેરીને પણ ખાલી કરાવવામાં આવી અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

નેવીની તાલીમ પૂરી કરીને આવતા મહિલા ઓફિસરનું અકસ્માતમાં મૃત્યુ જામનગરના વાલસુરા પાસે કાર પલટી ગઈ : ડ્રાઈવર સહિત બે ઈજાગ્રસ્ત April 07, Tue, 2026