• મંગળવાર, 07 એપ્રિલ, 2026

નેવીની તાલીમ પૂરી કરીને આવતા મહિલા ઓફિસરનું અકસ્માતમાં મૃત્યુ જામનગરના વાલસુરા પાસે કાર પલટી ગઈ : ડ્રાઈવર સહિત બે ઈજાગ્રસ્ત

જામનગર, તા. 6:  જામનગરના વાલસુરા રોડ પર રવિવારે કારને થયેલા માર્ગ અકસ્માતમાં નેવીના રર વર્ષના એક મહિલા તાલીમાર્થી અધિકારીનું મૃત્યુ થયું છે, જ્યારે ડ્રાઈવર સહિત અન્ય બે અધિકારીને ઈજાઓ પહોંચી છે. આ ઘટના આઈ.એન.એસ. વાલસુરા નજીક મેઈન ગેટથી લગભગ એક કિલોમીટર દૂર બની હતી.

અંશુબેન કિશનસિંઘ નામના રર વર્ષના મહિલા સહિતના નેવી તાલીમાર્થી પુણેમાં તાલીમ પૂર્ણ કરીને મુંબઈથી ફ્લાઈટ દ્વારા જામનગર પહોંચ્યા હતા અને કારમાં વાલસુરા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન કારને અકસ્માત નડયો હતો.

આ અંગે થયેલી ફરિયાદ અનુસાર કાર ચાલક અનુવ્રત પાંડે ગાડી ચલાવી રહ્યા હતા. ત્યારે અચાનક ગાડીનું એક વ્હીલ રસ્તાની બહાર ઉતરી જતાં સ્ટેયારિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, વાલસુરા જઈ રહેલી કાર મુખ્ય દરવાજાથી એક કિલોમીટર દૂર પલટીઓ મારીને રસ્તાની બાજુએ ઉતરી ગઈ હતી.

આ અકસ્માતમાં પાછળની સીટ પર બેઠેલા તાલીમાર્થી અધિકારી અંશુ ગાડીમાંથી બહાર ફંગોળાઈ ગયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગાડી ચલાવતા અનુવ્રત પાંડે અને બાજુમાં બેઠેલા સબ લેફ્ટનન્ટ સૌમ્યારંજન સાહુને ઈજાઓ થઈ હતી. આ બન્નેએ કારમાં સીટ બેલ્ટ બાંધ્યા હોવાનું જાણવા મળે છે. આ મામલે સબ લેફ્ટનન્ટ સૌમ્યારંજન સાહુ દ્વારા બેડી મરીન પોલીસમાં કારચાલક અનુવ્રત પાંડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક