• ગુરુવાર, 26 માર્ચ, 2026

ઉપલબ્ધ હોય ત્યાં પીએનજી ફરજીયાત,એલપીજી નહીં મળે

કેન્દ્ર સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય : સુવિધા હોવા છતાં પીએનજી કનેક્શન ન લીધું તો બંધ થશે એલપીજી સપ્લાય

પીએનજી તરફ લોકોને વાળવા માટેનો હેતુ : સુવિધા ધરાવતા વિસ્તારમાં કનેક્શન ન લેવાયું હોય તો ત્રણ મહિના બાદ એલપીજી પણ નહીં મળે

નવી દિલ્હી, તા. 25 : ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા કહ્યું છે કે વજે વિસ્તારમાં પીએનજી (પાઇપ્ડ નેચરલ ગેસ) ઉપલબ્ધ છે, ત્યાંના પરિવાર જો પીએનજી કનેક્શન અપનાવે નહીં તો તેની એલપીજી સિલિન્ડર આપૂર્તિ ત્રણ મહિના બાદ બંધ કરી દેવામાં આવશે. આ આદેશ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા નવો નિયમ ‘પ્રાકૃતિક ગેસ થતાં પેટ્રોલિયમ ઉત્પાદ વિતરણ આદેશ, 2026’નાં જાહેરનામા સાથે બહાર પાડવામાં આવ્યો છે.

સરકારનું કહેવું છે કે નિર્ણયનો હેતુ ગેસ પાઇપલાઇન નેટવર્કનો ઝડપથી વિસ્તાર, ઊર્જા સુરક્ષાને મજબૂતી અને એક જ ઈંધણ ઉપરની નિર્ભરતા ઓછી કરવાનો છે. મીડલ ઇસ્ટનાં યુદ્ધથી એલપીજી સપ્લાય ઉપર અસર પડી છે. તેમાં ઉપભોક્તાઓને પીએનજીમાં શિફ્ટ કરવા સરકારની પ્રાથમિકતા બની ગઈ છે. પીએનજી પાઇપલાઇનનાં માધ્યમથી રાંધણ ગેસ બર્નર સુધી સતત પહોંચાડવામાં આવે છે. જેનાથી સિલિન્ડર બુકિંગની જરૂરિયાત રહેતી નથી.

નવા નિયમ હેઠળ પીએનજી ઉપલબ્ધ હોવાના ત્રણ મહિનામાં કનેક્શન ન લેવામાં આવે તો એલપીજી સપ્લાય બંધ કરી દેવામાં આવશે. હાઉસિંગ સોસાયટી કે ગેટેડ  કોમ્યુનિટીને ત્રણ દિવસમાં અનુમતી આપવી અનિવાર્ય રહેશે. અંતિમ ચરણનાં પીએનજી કનેક્શનની સમયસીમા 48 કલાકની કરવામાં આવી છે. મંત્રાલય દ્વારા જાહેર આદેશ એકદમ સ્પષ્ટ છે. એક વખત જનસંબંધિત અધિકારીઓ દ્વારા ઉપભોક્તાને સૂચિત કરી દેવામાં આવશે તો બદલાવ વૈકલ્પિક રહેશે નહીં. જો કે પીએનજી આપવું ટેકનિકલ રીતે સંભવ ન હોય તેવા વિસ્તારને રાહત મળી શકશે. આ માટે એનઓસી જરૂરી રહેશે.

આ દરમિયાન મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું હતું કે ઘરેલુ પીએનજી કનેક્શનો માટે 100 ટકા ગેસ આપૂર્તિ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સાથે જ પરિવહન ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા સીએનજીની માગ પણ પૂરી કરવામાં આવે છે. પીએનજી નેટવર્કના વિસ્તાર ઉપર સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે. આ દિશામાં નવા પગલા ભરવામાં આવ્યા છે. ઉપભોક્તાઓને આકર્ષિત કરવા માટે ઘણી કંપનીઓને પ્રોત્સાહન યોજના શરૂ કરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક