બે અબજ લોકો ઉપર તોળાતું જોખમ : છેલ્લાં અમુક વર્ષમાં ગ્લેશિયર ઓગળવાની ઝડપમાં વધારો
નવી
દિલ્હી, તા. 22 : હિમાલયના ગ્લેશિયરમાં બરફ ખૂબ જ ઝડપથી ઓછો થઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ
સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલોપમેન્ટ (આઇસીઆઇએમઓડી)ના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં
આવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લાં અમુક વર્ષમાં બરફ ઝડપથી ઓગળી
રહ્યો છે. 1990-2020 સુધી હિમાલયે કુલ 12 ટકા ગ્લેશિયર ક્ષેત્ર ગુમાવી દીધું છે. આ
દરમિયાન નવ ટકા આઇસ રિઝર્વ પણ ખતમ થયું છે. હકીકતમાં 21 માર્ચના રોજ વર્લ્ડ ગ્લેશિયર
ડે હતો. જેના ઉપર આઇસીઆઇએમઓડીએ નવો મહત્ત્વપૂર્ણ રિપોર્ટ જાહેર કર્યો હતો. જેના અનુસાર
હિંદુ કુશ હિમાલયમાં ફેલાયેલા ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે. 2000ની સાલ બાદ બરફ ઓગળવાની
ગતિ બમણી થઈ છે.
આઇસીઆઇએમઓડી
દ્વારા કુલ બે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વ્યાપક પ્રમાણો પ્રસ્તુત કરવામાં
આવ્યા છે. રિપોર્ટનું માનવામાં આવે તો 1975 બાદથી બરફની જાડાઈમાં કુલ 27 મીટર સુધીની
કમી આવી છે. જે એશિયાના જળસ્તંભ કહેવાતા હિંદુ કુશ હિમાલયથી ઓગળતાં પાણી ઉપર નિર્ભર
લગભગ બે અબજ લોકો માટે તોળાતું જોખમ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર અને
દક્ષિણ ધ્રુવની બહાર હિંદુ કુશ હિમાલય બરફનો સૌથી મોટો ભંડાર છે. જેમાં લગભગ 55,782
વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા 63700થી વધારે ગ્લેશિયર સામેલ છે. આ ગ્લેશિયર ઓછામાં ઓછી
10 પ્રમુખ એશિયન નદીનાં સ્રોત છે. જે અબજો લોકોને ભોજન, પાણી, ઊર્જા અને આજીવિકાની
સુરક્ષાનો આધાર છે.
સમુદ્ર
દળથી 4,500થી 6,000 મીટરની ઊંચાઈએ સ્થિત ગ્લેશિયરનો લગભગ 78 ટકા હિસ્સો ઊંચાઈનાં કારણે
વૈશ્વિક ગરમીથી સૌથી વધારે પ્રભાવિત છે. આઇસીઆઇએમઓડીના પેમા ગ્યામત્શોએ કહ્યું હતું
કે આ કોઈ દૂરની સમસ્યા નથી. આ એવું સંકટ છે જે વાસ્તવિક સમયમાં સામે આવી રહ્યું છે.
જ્યાં ગરમી અને ચોમાસામાં નવી મુશ્કેલીઓ જોવા મળી રહી છે. આ સદીમાં બરફના નુકસાનનો
દર બમણો થવો તમામ માટે ચેતવણી છે. હિંદુ કુશ હિમાલય એક નિર્ણાયક વળાંકે છે અને આ સ્થિતિની
દેખરેખ ખૂબ જ જરૂરી છે.