• સોમવાર, 23 માર્ચ, 2026

48 કલાકમાં હોર્મુઝ ખોલવા ઈરાનને ટ્રમ્પનું અલ્ટીમેટમ

ઈરાનનાં વીજમથકો ઉપર ત્રાટકવા અમેરિકાની ધમકી : ઈરાને પાડોશી દેશોમાં ઊર્જા અને જળમથકોને ફૂંકીને જવાબ આપવા દેખાડી તૈયારી

નતાંઝ ઉપર હુમલા પછી ઈરાને ઈઝરાયલનું અણુમથક જ્યાં આવેલું છે તે શહેરમાં દાગી મિસાઈલ

હોર્મુઝનો માર્ગ દુશ્મનો સિવાય બધા માટે ખુલ્લો હોવાની ધરપત આપતું ઈરાન

નવીદિલ્હી,તા.22: પશ્ચિમ એશિયામાં છેડાયેલી જંગ હવે એકબીજાનાં પરમાણુ મથકો માટે જોખમી બની ગઈ છે. પોતાનાં નતાંઝ અણુમથક ઉપર અમેરિકા અને ઈઝરાયલે કરેલા હુમલાનાં બદલામાં ઈરાને ઈઝરાયલનાં ડિમોના શહેર ઉપર બેલિસ્ટિક મિસાઈલ દાગી દીધી હતી. આ શહેરમાં જ ઈઝરાયલનું પરમાણુ કેન્દ્ર, શિમોન પેરેસ નેગેવ ન્યૂક્લિઅર રિસર્ચ સેન્ટર આવેલું છે. બીજીબાજુ હવે આ યુદ્ધમાં બ્રિટન પણ પ્રત્યક્ષ રીતે ઝંપલાવવાની તૈયારીમાં હોય તેવા ઘટનાક્રમમાં બ્રિટિશ રોયલ નેવીએ પોતાની સૌથી આધુનિક અને શક્તિશાળી પરમાણુ સબમરિન એચએમએસ એન્સનને અરબી સમુદ્રમાં તૈનાત કરી દીધી છે. ટોમહોક ક્રૂઝ મિસાઈલથી સજ્જ આ પાણડૂબી ઈરાનને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા માટે કડક સંદેશ તરીકે જોવામાં આવે છે. આવું આખરીનામું અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનને આપ્યું છે અને ધમકી આપતાં કહ્યું હતું કે, જો 48 કલાકમાં હોર્મુઝનો માર્ગ ખુલશે નહીં તો ઈરાનની હાલત જોયા જેવી થશે. જેની સામે ઈરાને જવાબ આપ્યો હતો કે, દુશ્મનોને બાદ કરતાં હોર્મુઝનો સમુદ્રીમાર્ગ અન્ય તમામ દેશો માટે ખુલ્લો જ છે.

રોજેરોજ વધુને વધુ આક્રમક અને ઉગ્ર બની રહેલા યુદ્ધમાં નતાંઝ પરમાણુ ઠેકાણા ઉપર હુમલા પછી વીફરેલા ઈરાને શનિવારની રાત્રે ઈઝરાયલ ઉપર મિસાઈલોનો રીતસરનો વરસાદ કરી નાખીને કહેર મચાવી દીધો હતો. ઈરાનનાં આ હુમલામાં મોટી સંખ્યામાં બાળકો સહિત 100 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. આ હુમલામાં ઈરાને ઈઝરાયલનાં અરાદ અને ડિમોનામાં મોટાપાયે તબાહી મચાવી હતી. ડિમોનામાં જ ઈઝરાયલનું અણુમથક આવેલું હોવાથી તેની હવાઈ સુરક્ષાની પોલ પણ ઈરાને પાધરી કરી નાખીને કોઈપણ આણ્વિક દુ:સાહસનો જવાબ કેટલો તાકાતથી આપવામાં આવી શકે છે તેનો દાખલો પણ બેસાડી દીધો હતો.

ઈરાનની આ અતિઆક્રમક પ્રતિક્રિયા બાદ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉશ્કેરાઈને હોર્મુઝનો માર્ગ ખુલ્લો કરવા માટે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપીને કહ્યું હતું કે, જો ત્યાં સુધીમાં હોર્મુઝ ખુલશે નહીં પછી ઈરાનમાં વીજળી મથકોને ઉડાવી દેવામાં આવશે. અમેરિકાની આ ધમકી આવી ત્યારે બીજીબાજુ બ્રિટને પણ અરબી સમુદ્રમાં ટોમહોક મિસાઈલથી સજ્જ  અણુ સબમરિન તૈનાત કરીને ઈરાન ઉપર દબાણ વધારી દીધું હતું. અમેરિકાની આ ધમકીનાં જવાબમાં ઈરાને જરા પણ નરમ પડવાને બદલે જવાબી કાર્યવાહીમાં અખાતનાં પાડોશી દેશોમાં જળ શુદ્ધિકરણ અને ઊર્જામથકો સહિતનાં સ્થળોને ફૂંકી નાખવાની ધમકી આપી હતી અને સાથોસાથ એવું પણ ઉમેર્યુ હતું કે, દુશ્મનોને બાદ કરતાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો માર્ગ અન્ય તમામ દેશો માટે ખુલ્લો જ છે.

દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (હુ) દ્વારા પણ પરસ્પર અણુમથકોને નિશાન બનાવવાની ઉગ્રતા સામે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, આવા દુ:સાહસ માનવતા અને પર્યાવરણ માટે ભયાનક ખતરો પેદા કરી શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક