• સોમવાર, 23 માર્ચ, 2026

મેલીવિદ્યા અને તાંત્રિક વિધિના બહાને 16.28 લાખની છેતરાપિંડી

બોટાદમાં ઘટના : વિશ્વાસમાં લઈ સોનાના દાગીના, રોકડ અને લોન મેળવી ત્રણ આરોપી સામે ગુનો નોંધાયો

બોટાદ, તા. 22: બોટાદ શહેરમાં મેલીવિદ્યા અને તાંત્રિક વિધિના બહાને વિશ્વાસમાં લઈ મોટી છેતરપીંડીનો કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદી પાસેથી સ્વપ્નમાં આવતા નડતર દૂર કરવાની વાતો કરી આરોપીઓએ પહેલા ઓળખાણ મજબૂત કરી અને પછી ધીમે ધીમે રોકડ રૂપિયા, સોનાના દાગીના અને મકાન પર લોન સુધી લઈ કુલ આશરે રૂ.16.28 લાખની ઠગાઈ કરી હતી.  વર્ષ 2022 થી શરૂ થયેલી આ પ્રક્રિયામાં આરોપીઓએ વિવિધ બહાના અને વિશ્વાસનો દુરુપયોગ કરી ફરિયાદીને પોતાની જાળમાં ફસાવ્યો હતો અને  વારંવાર માંગણી છતાં પૈસા અને દાગીના પરત ન આપતા આખરે ફરિયાદ નોંધાતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.

 વધુ વિગતો અનુસાર ફરિયાદી સોમાભાઈ મોરભાઈ નાકીયા (ઉ.વ.45), રહે. મોચીપરા, બોટાદએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી (1) ઘનશ્યામ ગટોરભાઈ રૂપેલીયા, (2) સંજય બાબુભાઈ ચૌહાણ (ભુવા) અને (3) અલ્પેશ ઘનશ્યામભાઈ રૂપેલીયા, તમામ રહે. નાગલપર ગામએ મળીને આયોજનબદ્ધ રીતે છેતરપીંડી આચરી હતી.

 સોમાભાઈની ઓળખાણ આશરે 15 વર્ષ પહેલા ઘનશ્યામભાઈ સાથે થઈ હતી. આ ઓળખાણનો લાભ લઈ તા.28.11.2022 ના રોજ ઘનશ્યામભાઈએ રૂ.1 લાખ ઉધાર લઈને થોડા દિવસમાં પરત આપવાની ખાતરી આપી હતી. બાદમાં સોમાભાઈએ સ્વપ્નમાં નડતર થતી હોવાની વાત કરતાં તેમને સંજયભાઈ ભુવા પાસે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં મેલીવિદ્યા, ટોટકા અને તાંત્રિક વિધિઓ કરી તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા.ત્યારબાદ તા.15.10.2023 ના રોજ આરોપીએ પૈસાની જરૂર જણાવી સોનાના દાગીના જેમ કે હાર, ચેઇન, લોકેટ અને બુટ્ટી મેળવી લીધી હતી. તા.1.3.2024 ના રોજ ફરી રૂ.2 લાખ રોકડ લીધા હતા.

 ત્યારબાદ તા.15.2.2024 ના રોજ મકાન પર લોન કરાવી રૂ.5 લાખ મેળવ્યા હતા.આ સાથે તા.20.3.2024 ના રોજ ફરી સોનાના હાર, બુટ્ટી અને કાનના દાગીના મેળવી કુલ આશરે 13 તોલા સોનુ (કિંમત રૂ.8.28400 ) અને રૂ.8 લાખ રોકડ મેળવી હતી. આરોપીઓએ ગોલ્ડ લોન કરી દાગીના પરત આપવાની ખાતરી આપી હતી, પરંતુ વારંવાર માંગણી છતાં પરત ન આપતા ફરિયાદીએ અંતે પોલીસનો સંપર્ક કર્યો હતો. બોટાદ ટાઉન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક