ગોંડલ, તા.21 : શહેરમાં આવેલી શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. માર્ચ 2026માં પ્રસૂતિ માટે દાખલ થયેલી મહિલા અને તેની નવજાત બાળકીનાં મોતથી તબીબી જગતમાં ખળભળાટ મચી ગયો છે. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ પર સારવારમાં ઘોર બેદરકારી દાખવ્યાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, લક્ષ્મીબેન
સુનીલભાઈ સોલંકી (ઉં.31) અને તેની નવજાત બાળકીનું પ્રસૂતિ દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું
છે. પરિવારનો આક્ષેપ છે કે પ્રસૂતાને દાખલ કર્યા બાદ તેની તબિયત લથડી હોવા છતાં હાજર
સ્ટાફ દ્વારા તેને પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હતું. વારંવારની રજૂઆત છતાં તબીબોએ
સમયસર સારવાર શરૂ ન કરતા અંતે માતા અને પુત્રી બન્નેનું પ્રાણ પંખેરું ઊડી ગયું હતું.
બનાવની ગંભીરતાને જોતા સ્થાનિક
પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પરિસ્થિતિ વણસે નહીં તે માટે હોસ્પિટલ ખાતે ચુસ્ત બંદોબસ્ત
ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે બન્ને મૃતદેહનો કબજો મેળવી, નિષ્પક્ષ તપાસ અને મૃત્યુનું
સચોટ કારણ જાણવા માટે મૃતદેહોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે
ખસેડયા છે.
મૃતક મહિલાના પતિ સુનીલભાઈ હમીરભાઈ
સોલંકી અને અન્ય સંબંધીઓએ માગ કરી છે કે આ ઘટના માટે જવાબદાર ડોક્ટરો અને બેદરકાર સ્ટાફ
સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ
તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બેદરકારી સાબિત થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં
આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.