આંધ્ર પ્રદેશની ઘટનાથી હડકંપ : દૂધમાં એથિલીન ગ્લાઈકોલ નામનો ઝેરી પદાર્થ ભેળવી વિતરણ થયું: ત્રણ ગંભીર
નવી
દિલ્હી, તા. 22 : આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં દૂધમાં ભેળસેળની ભયાનક ઘટનાએઁ
પૂરા દેશને હચમચાવી દીધો છે. માહિતી અનુસાર ભેળસેળિયાં દૂધના કારણે જિલ્લામાં 16 લોકોનાં
મૃત્યુ થયાં છે અને ત્રણની સ્થિતિ ગંભીર છે. લાલાચેરુવુ, ચૌદેશ્વરી નગર અને સ્વરૂપનગર જેવા વિસ્તારોમાં ફેબ્રુઆરીથી જ લોકો
બીમાર પડવા લાગ્યા હતા. દૂધ પીધા બાદ લોકોમાં ઉલટી, પેટમાં દુ:ખાવો, પેશાબ બંધ થવો
અને ગંભીર કિડની ફેલિયર જેવી સમસ્યાઓ સામે આવી હતી.
શરૂઆતમાં
22 ફેબ્રુઆરીના રોજ અમુક કેસ નોંધાયા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે એક સ્થાનિક ડેરી યુનિટથી દૂધ
સપ્લાય કરવામાં આવ્યું હતું અને તે એથિલીન ગ્લાઈકોલ નામના ઝેરી પદાર્થથી દૂષિત હતું.
આ ભેળસેળનાં કારણે 20થી વધારે લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેમાં બાળકો અને વૃદ્ધો
સામેલ હતા. ઘટનામાં મૃત્યુનો આંકડો વધીને 16 થયો છે. હકીકતમાં નરસાપુરમ ગામના ડેરી
યુનિટમાંથી 100થી વધારે પરિવારને દૂધ પહોંચાડવામાં આવ્યું હતું. ખરીદદારોને દૂધનાં
સેવનના અમુક સમયમાં જ ગંભીર અસર થવા લાગી હતી. બાદમાં ડાયાલિસીસ અને વેન્ટીલેટર સપોર્ટની
જરૂર પડી હતી. સ્વાસ્થ્ય વિભાગ તરફથી કરવામાં આવેલી તપાસમાં પુષ્ટિ થઈ હતી કે દૂધમાં
એથિલીન ગ્લાઇકોલ ભેળવાયું છે. જે કિડની અને અન્ય અંગોને સ્થાયી ક્ષતિ પહોંચાડે છે.
ઘણા દર્દીમાં બ્લડ યુરિયા અને ક્રિએટિનિનનું સ્તર
અસામાન્ય રીતે વધી ગયું હતું. ઘટના બાદ દૂધની સપ્લાઈ તરત જ રોકી દેવામાં આવી હતી અને
પ્રભાવિત ક્ષેત્રમાં ડોર ટૂ ડોર સરવે કરવામાં આવ્યો હતો. પ્રશાસન દ્વારા ઘટનાને ગંભીરતાથી
લેવામાં આવી છે અને સંદિગ્ધ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે
અપ્રાકૃતિક મૃત્યુની જોગવાઈ હેઠળ ફરિયાદ નોંધી છે. જ્યારે હૈદરાબાદના સીનિયર સ્વાસ્થય
અધિકારી દ્વારા ઈલાજની દેખરેખ કરવામાં આવી રહી છે.