માથાકૂટ શાંત પાડવા ગયેલી ટીમ પર છરી ઉલાળી, PCR વાનમાં તોડફોડ
ભાવનગર, તા.21 : ભાવનગર શહેરના
બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો
થવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ચિત્રા સીદસર રોડ પર માથાકૂટની બાતમી મળતા પહોંચેલા
પોલીસ હેડ કોન્સ્ટેબલ પર એક શખ્સે છરી વડે હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી.
ઉશ્કેરાયેલા શખસે પોલીસની પી.સી.આર. વાનમાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડયું હતું.
વિગતો મુજબ, બોરતળાવ પોલીસ મથકના
હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મગનભાઈ વાળા પી.સી.આર. 112માં ડ્રાઈવર તરીકે ફરજ પર હતા. આ
દરમિયાન કંટ્રોલ રૂમથી મેસેજ મળ્યો હતો કે ચિત્રા સીદસર રોડ, શીતળા માતાના મંદિર પાસે
માથાકૂટ થઈ રહી છે. પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસ સ્થળ પર પહોંચતા જ પ્રોહિબિશન
અને મારામારીના ગુનામાં અગાઉ સંડોવાયેલો સચિન સોમાભાઈ મકવાણા નામનો શખ્સ ત્યાં આવ્યો
હતો. પોલીસ વાનનો દરવાજો ખોલવા જેવી નજીવી બાબતે તેણે હેડ કોન્સ્ટેબલ સાથે ઉગ્ર બોલાચાલી
કરી તેમનો કાઠલો પકડી લીધો હતો. ઝપાઝપી દરમિયાન સચિને કમરના ભાગેથી છરી કાઢી પોલીસકર્મી
પર જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસકર્મીએ સ્વબચાવમાં લાકડીનો
ઉપયોગ કરતા આરોપી વધુ ઉશ્કેરાયો હતો અને પોલીસના હાથમાંથી લાકડી આંચકી પી.સી.આર. વાનના
દરવાજા પર ફટકારી તોડફોડ કરી હતી. આરોપીએ જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી
પણ આપી હતી. લોકોના ટોળા એકઠા થતા આરોપી સચિન મકવાણા ત્યાંથી નાસી છૂટયો હતો.
આ મામલે હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈએ
બોરતળાવ પોલીસ મથકમાં સચિન મકવાણા વિરુદ્ધ ફરજમાં રૂકાવટ, હુમલો અને હથિયારબંધીના ભંગ
બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.