• સોમવાર, 23 માર્ચ, 2026

અમદાવાદમાં સાવકા પિતાનો 6 વર્ષની દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ

અમદાવાદ, તા.22 : અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી લોહીના સંબંધોને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વિકૃત માનસિકતા ધરાવતા સાવકા પિતાએ પોતાની જ 6 વર્ષ અને 10 મહિનાની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે, બાળકીની માતાએ સમયસર પહોંચી જઈને પોતાની દીકરીને આ નરાધમની ચુંગાલમાંથી બચાવી લીધી હતી. આ મામલે માતાએ હિંમત દાખવીને પોલીસમાં ફરિયાદ નોંધાવતા, કૃષ્ણનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પિતાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના બની ત્યારે રાતનો સમય હતો. જમી પરવારીને બાળકીની માતા બેડરૂમની બહાર કપડાં સૂકવી રહી હતી. આ જ તકનો લાભ લઈને ઘરમાં રહેલા સાવકા પિતાની દાનત બગડી અને તેણે 6 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો. આરોપીએ જેવી બાળકી સાથે અડપલાં કરવાની શરૂઆત કરી કે તરત જ ગભરાયેલી દીકરીએ જોરથી ચીસાચીસ કરી મૂકી.

બાળકીની બૂમો સાંભળીને માતા તરત જ દોડીને બેડરૂમમાં પહોંચી ગઈ. પોતાની દીકરીને આ હાલતમાં જોઈને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

 જોકે, તેણે સહેજ પણ ડર્યા વગર તાત્કાલિક પોતાની દીકરીને આરોપીના હાથમાંથી આંચકી લીધી અને તેને બચાવી લીધી. આ પછી તરત જ તેણે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન દોડી જઈને ફરિયાદ નોંધાવી હતી.

આશ્ચર્યની વાત એ છે કે, આ જઘન્ય અપરાધ કરનાર આરોપી કોઈ અભણ કે અશિક્ષિત નથી. તેણે ધોરણ 10 પછી મિકેનિકલ ડિપ્લોમા કર્યું છે અને હાલ તે ગાંધીનગર સ્થિત જાણીતી આઇટી કંપની ટીસીએસ (ઝઈજ) માં નોકરી કરે છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. ભણેલો-ગણેલો અને સારી જગ્યાએ નોકરી કરતો માણસ 6 વર્ષની માસૂમ સાથે આવું કૃત્ય કઈ રીતે કરી શકે, તે તેની વિકૃત માનસિકતા પર મોટો સવાલ ઊભો કરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક