-જેતપુરના
રંગાટકામ ઉદ્યોગનું આર્થિક દહન થતાં 80000 શ્રમિકની રોજી છીનવાઈ જવાની ભીતી : પ્રિન્ટિંગ
જોબવર્કમાં પ્રતિ મીટર રૂ.2 અને સાડી દીઠ રૂ.10નો ભાવ વધારો
-સૌરાષ્ટ્રભરમાં
ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી લોકોની લાંબી કતાર યથાવત્
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ,
તા.14 : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સિધી અને ગંભીર અસર હવે ઉદ્યોગો ઉપર વર્તાવા
લાગી છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના ઉદ્યોગોમાં પરિસ્થિતિ વિકટ બની છે અને અમુક ઔદ્યોગિક
એકમો બંધ થવા લાગ્યા છે. જેના કારણે ગેસ અછતની અસર હવે શ્રમિકોની રોજીરોટી ઉપર પડી
રહી છે. મોરબીમાં 200 જેટલા એકમ બંધ થતાં 50000 જેટલા શ્રમિકોની રોજી છીનવાઈ જવાની
ભીતી છે. જેતપુર પંથકમાં પણ રંગાટકામના ઉદ્યોગોનું આર્થિક દહન થતા 80000થી વધુ શ્રમિકોની
રોજી ઉપર સંકટ આવી પડયું છે.
મોરબી
સિરામિક ઉદ્યોગમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા અને રાજસ્થાન સહિતના રાજ્યમાંથી
શ્રમિકો રોજીરોટી અર્થે આવતા હોય છે અને અંદાજે 4 લાખથી વધુ શ્રમિકોને સિરામિક ઉદ્યોગથી
રોજીરોટી મળી રહે છે. પરંતુ યુદ્ધને કારણે 200 જેટલા એકમો બંધ થતા હજારો શ્રમિકો સામે
રોજીરોટીનું સંકટ સર્જાયું છે અને હજુ સ્થિતિ નહીં સુધરે તો વધુ એકમો બંધ થતા લાખો
શ્રમિકોની રોજગારી છીનવાઈ જશે. હજારો શ્રમિકો પોતાના વતન ભણી પરત જતા જોવા મળી રહ્યા
છે. મોરબી રેલ્વે સ્ટેશન ખાતે આજે વીકલી ટ્રેન કામખ્યા એક્સપ્રેસમાં મોટી સંખ્યામાં
શ્રમિકો પોતાના વતન પરત જતા જોવા મળ્યા હતા. સિરામિક ઉદ્યોગમાં પ્રતિદિન અગાઉ સરેરાશ
8000 જેટલા ટ્રકોની અવરજવર રહેતી હતી, જે ઘટીને માત્ર 500થી 700 રહી ગઈ છે અને હજુ
એકમો બંધ થશે તેની સીધી અસર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પણ જોવા મળશે.
જેતપુરના
જેતલસર પંથકની જીવાદોરી સમાન ગણાતા ટેક્સટાઈલ અને સાડી ઉદ્યોગ પર હાલમાં ગંભીર આર્થિક
સંકટ તોળાઈ રહ્યું છે. રો-મટીરીયલના ભાવમાં અસહ્ય વધારો અને કોમર્શિયલ એલપીજી ગેસની
અછતના કારણે અનેક મશીનવાળા પ્રિન્ટિંગ એકમોને તાળાં લાગવાની નોબત આવી છે. જેતપુર ડાઈંગ
એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનના સેક્રેટરી ચેતન જોગીની સહીથી જારી થયેલા પત્ર મુજબ, પ્રિન્ટિંગ
અને ફિનાશિંગ માટેના કલર, કેમિકલ્સ અને પાકિંગ મટીરિયલના ભાવમાં 20થી 30 ટકાનો અધધ
વધારો નોંધાયો છે. ઉપરાંત એકમોમાં બળતણ તરીકે વપરાતા કોલસા અને ગેસના ભાવ પણ 20થી
30 ટકા જેટલા ઉંચકાયા છે. આ અસહ્ય બોજાને સરભર કરવા માટે એસોસિયેશને સર્વાનુમતે પ્રિન્ટિગ
જોબવર્કમાં પ્રતિ મીટર રૂ.2 અને સાડી દીઠ રૂ.10નો ભાવ વધારો તાત્કાલિક ધોરણે અમલમાં
મૂકવાનો નિર્ણય લીધો છે. ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયાએ
જણાવ્યું હતું કે, જેતપુરના કેટલાક મશીનવાળા એકમો ફરજિયાતપણે બંધ થઈ ગયા છે અને મોટાભાગના
ટેક્સટાઈલ એકમોમાં ઉત્પાદન સાવ તળિયે પહોંચી ગયું છે. આ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ
રીતે 80,000 જેટલા શ્રમિકો જોડાયેલા છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં આવે તો શહેર અને
તાલુકાના આર્થિક તંત્ર, નાના-મોટા આનુસંગિક ઉદ્યોગો અને વેપારીઓના ધંધા-રોજગાર પર અત્યંત
ગંભીર અને માઠી અસર પડશે.
જામનગરમાં
આજે એક ગેસ એજન્સીમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. જ્યાં જવાબ અપાતો હતો કે બાટલા બુકીંગ
માટે ટેલિફોનિક ઓટોમેટિક સિસ્ટમ ફરજિયાત છે. જે નિર્ણય સરકારનો છે. માટે અમારા થી રૂબરૂ
બુકીંગ કરી શકાતું નથી. આથી ગ્રાહકોને વીલા મોઢે પરત ફરવું પડયું હતું. બીજી તરફ ટેલિફોનિક
બુકીંગ સિસ્ટમથી બુકીંગ કરવાનો પ્રયત્ન કરતા ફોન ઓટોમેટિક કટ થઈ જાય છે અથવા સતત
24 કલાક એંગેજ મળે છે.
માંગરોળમાં
પણ ગેસ એજન્સીની બહાર વહેલી સવારથી લોકોની લાંબી કતાર લાગી રહી છે. અંધાધૂંધી કે અવ્યવસ્થા
ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત રાખવાની ફરજ પડી રહી છે. કામધંધા એકબાજુ મુકી લાંબી
કતારમાં કલાકો સુધી રાહ જોઈને ઉભેલા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
પોરબંદરનું
અડવાણા સગડી યુગમાં ધકેલાઇ ગયુ હોય તેમ ગેસના બાટલાની અછત વચ્ચે ઓનલાઇન બુકીંગ થતું
ન હોવાના કારણે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. ‘પોરબંદર જિલ્લામાં સિલિન્ડરનો પૂરતો
જથ્થો છે’ તેવો દાવો કરનાર પૂરવઠા અધિકારી ઓનલાઇન બુકીંગ કરાવી બતાવે તેવી ગ્રામજનોએ
ચેલેન્જ કરી છે. જિલ્લા કિશાન સંઘના ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય નાગાજણ જેઠવાએ ડીડીઓને
રજૂઆત કરીને જિલ્લામાં ઘરેલુ ગેસનો ઉપયોગ નીતિ અનુસાર જ થાય અને સામાન્ય નાગરિકોને
સહેલાઇથી રસોઇ ગેસ મળી શકે તે માટે બીનજરૂરી સંગ્રહખોરી અને કાળાબજારી સામે પગલા લેવા
માગ કરી છે.
જૂનાગઢમાં
સરકારની અણધડ આર્થિક નીતિઓને કારણે દેશમાં મોંઘવારીને કારણે જનતાને જીવન નિર્વાહ કરવો
મુશ્કેલ બન્યો હોવાના આક્ષેપ સાથે આજે શહેર કોંગ્રેસ દ્વારા આઝાદ ચોકમાં ગેસ સિલિન્ડર
અને ઈંધણ છાણાં લઈને આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.
વડોદરામાં
ગેર સિલિન્ડરની અછતને લઈને લોકોને ગભરાટ ઓછો થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે
કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગેસ ગ્રાહકોને જરૂરી સલાહ-સૂચન આપવામાં આવી
રહ્યાં છે.