• રવિવાર, 15 માર્ચ, 2026

ઈરાનના યૂરેનિયમ મુદ્દે ટ્રમ્પે ફગાવ્યો પુતિનનો પ્રસ્તાવ

-યુદ્ધનો મુખ્ય મુદ્દો યુરેનિયમનો ભંડાર ઈરાનથી રશિયા લઈ જવા પુતિને પ્રસ્તાવ આપ્યો હોવાના રિપોર્ટ

નવી દિલ્હી, તા. 14 : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધે વૈશ્વિક પરિસ્થિતિને બદલી દીધી છે. અમેરિકા અને ઈઝરાયલ મળીને ઈરાનના પરમાણુ કાર્યક્રમને ખતમ કરવા ઈચ્છે છે અને આ માટે સતત તેહરાન ઉપર હુમલા થઈ રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકાને આ અભિયાનમાં મદદ કરવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના સમૃદ્ધ યૂરેનિયમ ભંડારને રશિયા લઈ જવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જો કે ટ્રમ્પ દ્વારા આ પ્રસ્તાવને નકારી દેવામાં આવ્યો હતો.  રિપોર્ટ અનુસાર ઈરાન અને અમેરિકા વચ્ચેથી યુદ્ધનું મુખ્ય કારણ હટાવવા માટે પુતિન તરફથી ઈરાની યૂરેનિયમ રશિયામાં લઈ જવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. આ માટે બન્ને દેશ વચ્ચે થયેલા એક ફોન કોલમાં ટ્રમ્પે સુચન માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. ટ્રમ્પ સતત દાવા કરી રહ્યા છે કે અમેરિકા ઈરાન સાથેના સંઘર્ષમાં નિર્ણાયક જીત મેળવવા તરફ આગળ વધી રહ્યું છે.

આ રિપોર્ટ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ટ્રમ્પે રશિયા ઈરાનની મદદ કરી શકે છે તેવી સંભાવનાઓને નકારવાનો ઈનકાર કરી દીધો હતો. ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓને લાગે છે કે પુતિન ઈરાનને મદદ કરી રહ્યા છે. કદાચ રશિયા વિચારી રહ્યું હશે કે અમેરિકા યુક્રેનની મદદ કરી રહ્યું છે તો તે ઈરાનની મદદ કેમ ન કરી શકે. વૈશ્વિક રાજનીતિમાં આવી સ્થિતિ સામાન્ય હોય છે.

ઇ-પેપરના નવા શુલ્ક