• શનિવાર, 14 માર્ચ, 2026

કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાનું સંકટ : 18-19મીએ કમોસમી વરસાદ


મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગિર સોમનાથ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા 

 

રાજકોટ, અમદાવાદ, તા. 13 : રાજકોટ સહિત રાજયભરમાં માર્ચની શરૂઆતથી જ આકરી ગરમીની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે છેલ્લા ત્રણેક દિવસથી આભમાંથી અગનગોળા વરસ્યા બાદ ગઇકાલે અને આજે ગરમીમાં આંશિક રાહત જોવા મળી રહી છે.

આ કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે ખેડૂતોને ચિંતિત કરી મુકે તેવી આગાહી કરી છે. આગામી 18 અને 19 માર્ચના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આજે સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે આગામી 18 અને 19 તારીખ રાજ્યમાં કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી છે. જેમાં 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણમાં વરસાદી પડી શકે છે. જ્યારે 19 માર્ચે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગિર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગરમીના કહેર વચ્ચે હવે કમોસમી વરસાદ ખેડૂતો અને નાગરિકોની ચિંતામાં વધારો કરશે.

ઉત્તર-પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાવાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની ગંભીર આગાહી કરી છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવનોને કારણે અસહ્ય બફારો અને ગરમીનો અનુભવ થશે. જોકે, રાહતની વાત એ છે કે આવતીકાલથી તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે.

રાજકોટમાં પણ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. આકરી ગરમીથી રાજકોટવાસીઓ અકળાયા છે. માર્ચ મહિનામાં જૂન મહિના જેવી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. માર્ચ મહિનામાં 41 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે. કાળઝાળ ગરમીને કારણે રસ્તા સુમસામ બન્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક