જર્સી
લોન્ચિંગમાં ડાયલોગ્સ, મ્યૂઝિકના ઉપયોગ બદલ સન ટીવી નેટવર્ક દ્વારા હાઈ કોર્ટમાં કોપીરાઈટનો
કેસ
નવી
દિલ્હી, તા. 14 : આઈપીએલ 2026ની શરૂઆત પહેલા પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ
કાનૂની વિવાદમાં ઘેરાઈ છે. સન ટીવી નેટવર્ક લિમિટેડે મદ્રાસ હાઈ કોર્ટમાં સીકેસકે સામે
કોપીરાઈટ ઉલ્લંઘનનો કેસ કર્યો છે. ફ્રેન્ચાઈઝી ઉપર આરોપ છે કે તેણે સોશિયલ મીડિયા ઉપર
પોતાની સામગ્રીને પ્રમોટ કરવા માટે જેલર, જેલ 2 અને કુલી જેવી ફિલ્મોના ગીત, ડાયલોગ્સ
અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો અવૈધ રૂપથી ઉપયોગ કર્યો છે.
પહેલી માર્ચે સીએસકેએ પોતાની નવી જર્સી લોન્ચ કરતા સમયે
એક વિડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં રજનીકાંતની ફિલ્મોના ઓડિયો ટ્રેકનો ઉપયોગ થયો હતો.
વિશેષ રૂપથી ધોનીના કેમ્પમાં આગમના દૃશ્યમાં ઓડિયો ઉપયોગમાં લીધો હતો. સન ટીવી નેટવર્કે
પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, સીએસકેએ દક્ષિણ ભારતમાં રજનીકાંત અને અનિરુદ્ધ રવિચંદરના
સંગીતની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવતા 2399 રૂપિયાની જર્સી અને વ્યાપારિક સામગ્રીના વેચાણ
માટે કોપીરાઈટ તોડવાનું કામ કર્યું છે. જો કે પહેલી માર્ચે મળેલા ઈમેઈલ બાદ સીએસકેએ
વિવાદાસ્પદ વિડિયો હટાવી લીધો હતો અને બાદમાં બદલાવ સાથે નવો વિડિયો શેર કર્યો હતો.
જો કે સન ટીવી નેટવર્કે હાઈ કોર્ટમાં અપીલ કરી છે કે આવી સામગ્રીનો ઉપયોગ કરવાથી રોકવામાં
આવે અને પ્રચાર મારફતે થયેલી કમાણીનું વિવરણ આપવામાં આવે.