-
ઈરાનનું 95 ટકા ઓઇલ જ્યાંથી
નિકાસ થાય છે તે દ્વીપ ઉપર સૈન્ય ઠેકાણાઓનો સફાયો કરી નાખ્યાનો ટ્રમ્પનો દાવો, હવે
ઓઇલ માળખાં ઉપર હુમલાની ધમકી : ઈરાને યુએઈનાં ઓઈલ ટર્મિનલ ઉપર ઘા કર્યો
નવીદિલ્હી,
તા.14 : ઈરાન યુદ્ધનાં કારણે ઓઇલનાં સંકટમાં સપડાયેલી દુનિયાનો જીવ ઉચક કરી નાખે તેવા
નવા ઘટનાક્રમમાં અમેરિકાએ ફારસની ખાડીમાં ઈરાનની જીવનરેખા સમાન ખાર્ગ દ્વીપ ઉપર બોમ્બમારો
કરી નાખ્યો છે. ઈરાનની કમાણી ક્રૂડ ઓઇલમાંથી થાય છે અને આમાંથી 90-9પ ટકા ઓઇલ આ ખાર્ગ
ટાપુ ઉપરથી જ વિભિન્ન દેશોમાં નિકાસ થાય છે. અમેરિકા હવે ઈરાનની કમર આર્થિક રીતે ભાંગી
નાખવા સજ્જ થયું હોય તેવી ઘોષણા અને ધમકીમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ખાર્ગ દ્વીપ ઉપર
ઈરાનનાં સૈન્ય મથકોનો ખાત્મો કરી નાખવામાં આવ્યો છે અને હવે તેનાં ઓઇલનાં માળખાંને
પણ ધ્વસ્ત કરવામાં આવી શકે છે. ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારથી ક્રૂડ ઓઇલનાં ભાવ ભડકે
ભળવા લાગ્યા છે અને જો અમેરિકા હવે ઈરાનનાં ઓઇલનાં ઢાંચાને પણ ટાર્ગેટ કરશે તો ઓઇલના
ભાવ જ્વાળામુખીની જેમ ફાટે તેવી દહેશત છે. બીજીબાજુ ઈરાને અમેરિકાનાં હુમલાનાં જવાબમાં
યુએઈનાં ઓઈલ ટર્મિનલને નિશાન બનાવીને હુમલો કર્યો હતો.
ખાર્ગ
ટાપુ ઉપર અમેરિકાના હુમલા બાદ ઈરાન પણ ગાંજ્યું જાય એમ નથી. વધુ ઉશ્કેરાયેલા ઈરાને
અખાતના દેશોમાં અમેરિકાનાં હિતો ઉપર વધુ ભીષણ હુમલા કરવાની ધમકી આપી દીધી હતી. ઈરાનની
સેના ઈસ્લામિક રિવોલ્યુશ્નરી ગાર્ડ કોર્પ્સે યુએઈને સત્તાવાર રીતે જાણ કરી હતી કે,
ખાર્ગ ઉપર હુમલા પછી હવે અમેરિકાનાં છૂપા અડ્ડાઓ ઈરાનનાં વૈધ લક્ષ્ય બની ગયા છે. એટલે
કે, ઈરાન હવે યુએઈમાં અને અન્ય ખાડી દેશોમાં પણ અમેરિકાનાં ઠેકાણાઓ ઉપર વધુ ઘાતકી હુમલા
કરે તેવી આશંકા છે.
દરમિયાન
અમેરિકા અને ઈઝરાયલના હુમલાનો શિકાર બનેલા પેલેસ્ટાઈનનાં સમર્થનમાં ઈરાનની રાજધાની
તહેરાનમાં મોટી સંખ્યામાં મેદની દેખાવ કરવા એકત્ર થઈ ત્યારે જ તહેરાનમાં પ્રચંડ વિસ્ફોટો
થયા હતા અને શહેર ધણધણી ઉઠયું હતું.
28
ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછીથી અમેરિકા-ઇઝરાયેલના હુમલાઓમાં ઇરાનમાં લગભગ 1,450 લોકોનાં
મોત થયાં છે. દક્ષિણ લેબનનમાં એક આરોગ્ય કેન્દ્ર પર ઇઝરાયેલના હુમલામાં 12 સ્વાસ્થ્યકર્મી
મૃત્યુ પામ્યા છે જ્યારે ત્યાં ઇઝરાયેલના હુમલાઓથી કુલ મૃત્યુઆંક 773 થયો છે, જેમાં
103 બાળકોનો સમાવેશ થાય છે. કતાર અને બેહરીન સહિત ખાડી વિસ્તારમાં આવેલા ઘણા દેશોએ
લોકોને ખાલી કરવાની ચેતવણી આપી છે, કારણ કે ઇરાન મિસાઇલ અને ડ્રોન હુમલાઓ ચાલુ રાખી
રહ્યું છે.