• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

રાજ્યના તાપમાનમાં આજથી બેથી ત્રણ ડિગ્રીનો થશે વધારો

ઉત્તર ગુજરાત વિસ્તારમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સિસ્ટમ સક્રિય

અમદાવાદ, તા.19 : ઠંડી બાદ હવે હવામાન વિભાગ દ્વારા ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન વધવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતવાસીઓને ગરમીનો વધુ સામનો કરવો પડી શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે.દાસે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત વિસ્તારમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સિસ્ટમ સક્રિય બની છે. આ હવામાન સિસ્ટમ સક્રિય થતા રાજ્યના તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. સામાન્ય રીતે આવી સિસ્ટમના પ્રભાવથી પવનની દિશામાં ફેરફાર થાય છે અને સૂકા તથા ગરમ પવન ફૂંકાતા તાપમાનમાં વૃદ્ધિ જોવા મળે છે. તાજેતરના આંકડા મુજબ ડીસા શહેરમાં 34.3 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અન્ય શહેરોમાં પણ તાપમાનમાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ગરમી વધુ તીવ્ર બની શકે છે. ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતા લોકોએ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. પૂરતું પાણી પીવું, સીધા તાપથી બચવું અને હલકા કોટનના કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં હવે ઉનાળાની શરૂઆતનો અહેસાસ થવા લાગ્યો છે અને આવનારા દિવસોમાં ગરમી વધુ પ્રચંડ બનવાની શક્યતા છે.  

ઇ-પેપરના નવા શુલ્ક