વ્હેલ માછલીની ઊલટી (એમ્બરગ્રીસ), કસ્તુરી અને સિંહના નખ સાથે 3 ઝડપાયા
જામ
ખંભાળિયા તા.19: જિલ્લામાં વન્યજીવ અને દરિયાઈ જીવસૃષ્ટિના પ્રતિબંધિત અંગોની ગેરકાયદે
હેરફેર કરનારા તત્વો સામે એસ.ઓ.જી. પોલીસે મોટી સફળતા મેળવી છે. અલગ અલગ બે ટીમ દ્વારા
પાડવામાં આવેલા દરોડામાં કુલ 1,07,70,000 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ ઇસમોની
અટકાયત કરી છે.
મળતી
વિગત મુજબ જામ ખંભાળીયા-જામનગર હાઇવે પર મઢુલી હોટલ નજીકથી ચોક્કસ બાતમીના આધારે અમરેલી
જિલ્લાના રાકેશભાઇ ભગવાનભાઇ સાંખટ અને લાખાભાઇ બાલાભાઇ ડોડીયાને આંતરી લેવાયા હતા.
તેમની પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં 1,06,50,000 ની કિંમત ધરાવતું 1 કિલો 65 ગ્રામ
પ્રતિબંધિત એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઊલટી) મળી આવ્યું હતું. જયારે બીજા દરોડામાં ખંભાળીયા સરકારી હોસ્પિટલ નજીકથી જામનગરના ફિરોઝભાઇ
મામદભાઇ મકવાણા નામના શખ્સને ઝડપી લેવાયો હતો. તેની અંગ ઝડતી કરતા પેન્ટના નેફામાંથી
1,00,000 ની કિંમતની અસલ કસ્તુરીનો ટુકડો અને 1,20,000 ની કિંમતના સિંહના 2 અસલ નખ
મળી આવ્યા હતા, જે અંગે તેની પાસે કોઈ કાયદેસરના પુરાવા નહોતા. પોલીસે કરોડો રૂપિયાનો
તમામ મુદ્દામાલ જપ્ત કરી, આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી અર્થે આ કેસ જામ ખંભાળીયાના
મરીન નેશનલ પાર્કના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને સોંપ્યો છે.