વધુ એક ડોક્ટર સસ્પેન્ડ : ત્રણ મહિના સુધી 13 જુનિયર રેસિડન્ટ ડોક્ટરોને શારીરિક-માનસિક ત્રાસ અપાયો હોવાનો આક્ષેપ
ભાવનગર,
તા.20: સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચાવનાર ભાવનગર મેડિકલ કોલેજના રાગિંગ પ્રકરણમાં
આખરે પોલીસ ફરિયાદ નોંધાતા મામલો વધુ ગંભીર બન્યો છે. ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના
રેસિડન્ટ ડોક્ટરો સાથે છેલ્લા ત્રણ મહિનાથી ચાલતી હોવાની રાગિંગની ઘટનામાં નિલમબાગ
પોલીસે બીજા વર્ષના સાત રેસિડન્ટ ડોક્ટરો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રથમ
છ ડોક્ટરો બાદ વધુ એક ડોક્ટર ડો. દિવ્ય મોદીને સસ્પેન્ડ કરાયો છે અને તેની સામે પણ
પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ ફરિયાદ અનુસાર ગત તા. 1 માર્ચ, 2026થી તા.
14 જૂન, 2026 દરમિયાન ટ્રોમા સેન્ટર સ્થિત સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે ફરજ બજાવતા
અને અભ્યાસ કરતા પ્રથમ વર્ષના 13 રેસિડન્ટ ડોક્ટરોને બીજા વર્ષના સિનિયર રેસિડન્ટ ડોક્ટરો
દ્વારા એકબીજાની મદદગારીથી સતત શારીરિક તથા માનસિક રીતે હેરાન-પરેશાન કરવામાં આવતા
હતા. ફરિયાદમાં આરોપી તરીકે ડો. વિર ઉર્ફે વિરેન્દ્રાસિંહ જાડેજા, ડો. જયંત દેવાણી,
ડો. પ્રવિણ વર્મા, ડો. ધર્મેન્દ્ર દયાળ, ડો. વિશાલ ડાભી, ડો. અમન વર્મા અને ડો. દિવ્ય
મોદીનું નામ નોંધવામાં આવ્યું છે.
લાંબા સમય સુધી સતત ઊભા રાખવાના કારણે સ્નાયુઓમાં
અસહ્ય દુખાવો થાય અથવા બેભાન થઈ જાય તેવી સ્થિતિ સર્જાતી હોવા છતાં તેમને આરામ કરવાની
છૂટ આપવામાં આવતી ન હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. જો કોઈ જુનિયર ડોક્ટર જમતા કે
આરામ કરતા જોવા મળતા તો તેમને તાત્કાલિક ઓ.ટી. અથવા વિભાગમાં બોલાવી વિવિધ પ્રકારની
સજા કરવામાં આવતી હતી.
એક
જ વસ્તુ હજારો વખત લખાવતા હતા, કુકડા બનાવી બેસાડવામાં આવતા
સિનિયર
ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરોને એક જ વસ્તુ હજારો વખત લખવા માટે મજબૂર કરવામાં આવતા
હતા. આખી રાત ઓપરેશન થિયેટર વિભાગ અને વોર્ડની બહાર ઊભા રાખવાની સજા આપવામાં આવતી હતી.
જુનિયર ડોક્ટરોને કૂકડા-મરઘા બનાવીને બેસાડવામાં આવતા હતા અને તેમની આ સ્થિતિના ફોટોગ્રાફ
તથા વીડિયો ઉતારી અપમાનિત કરવામાં આવતા હતા.