• શનિવાર, 20 જૂન, 2026

અફઘાનિસ્તાન સામે આજે આખરી વન ડે ભારતીય ઇલેવનમાં પ્રયોગને અવકાશ

હર્ષિત રાણાનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ

ચેન્નાઇ, તા.19: ત્રણ મેચની વન ડે શ્રેણી પહેલેથી જ 2-0ની અપરાજિત સરસાઇથી ગજવે કરી લેનાર ટીમ ઇન્ડિયા શનિવારે અફઘાનિસ્તાન સામેના ત્રીજા અને આખરી મેચમાં તેની ઇલેવનમાં કેટલાક પ્રયોગ સાથે ઉતરી શકે છે. જેના ભાગ રૂપે ઘૂંટણની ઇજામાંથી બહાર આવી ચૂકેલ ઝડપી બોલર હર્ષિત રાણાનો ત્રીજા વન ડેની ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઇજાને લીધે ટી-20 વિશ્વ કપ અને આઇપીએલ ગુમાવનાર હર્ષિત રાણાને આયરલેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસની ટીમમાં જગ્યા મળી છે. એ પહેલા તેની ફિટનેસ ચકસવા માટે ત્રીજા વન ડેની ટીમમાં સમાવેશ કરાયો છે. હર્ષિતનું ઇલેવનમાં સામેલ થવું નિશ્ચિત માનવામાં આવે છે. તેને જગ્યા આપવા માટે લગભગ અર્શદીપને રેસ્ટ મળી શકે છે.

ચેન્નાઇ વન ડેમાં કેપ્ટન શુભમન ગિલના વર્કલોડને ધ્યાને રાખીને તેને પણ વિશ્રામ મળવાની સંભાવના છે. આ સ્થિતિમાં શ્રેયસ અય્યર કેપ્ટનશીપ સંભાળી શકે છે અને વનડાઉનમાં આવી શકે છે. ભારતીય ઈલેવનમાં નીતિશકુમાર રેડ્ડીની વાપસી થશે. અનફિટ હોવાના લીધે તેણે બીજો મેચ ગુમાવ્યો હતો. યુવા સ્પિનર હર્ષ દુબને પણ ઇલેવનમાં વાપસીની સંભાવના છે. કોચ ગંભીર પહેલા જ કહી ચૂક્યા છે અને 2027 વન ડે વિશ્વ કપ અગાઉ સંતુલિત ટીમ તૈયાર કરવા તરફ ફોકસ કરી રહ્યા છે. જે માટે અફઘાનિસ્તાન સામેની શ્રેણી મહત્ત્વની છે.

બીજી તરફ શ્રેણી ગુમાવી ચૂકેલ અફઘાનિસ્તાન ટીમે પ્રોત્સાહક જીત માટે બોલિંગ-બેટિંગમાં સુધારો કરવો પડશે. ચેન્નાઇની પીચ પર ઝાકળનો પ્રભાવ રહેશે. આથી બીજા દાવમાં સ્પિનર્સની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. અફઘાન પાસે સારા સ્પિન બોલર છે. જો કે ભારતની મજબૂત બેટિંગ હરોળ સામે અફઘાન સ્પિનર્સની આકરી કસોટી થશે. મેચ બપોરે 1-30થી શરૂ થશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક