ચ્વાલિંસ્કાને હરાવીને ફ્રેન્ચ ઓપનનો મહિલા ખિતાબી મુકાબલો જીત્યો
પેરિસ,
તા. 6 : ટેનિસની દુનિયાને નવો ચેમ્પિયન મળી ગયો છે. રશિયાની 19 વર્ષની મીરા એન્ડ્રિવાએ
શનિવારે ઈતિહાસ રચતા પોલેન્ડની માજા ચ્વાલિંસ્કાને સીધા સેટમાં હરાવીને ફ્રેન્ચ ઓપનનો
મહિલા એકલ ખિતાબ નામે કરી લીધો હતો. આ એન્ડ્રિવાનો પહેલો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે. લગભગ દોઢ કલાક ચાલેલા આ એકતરફી ફાઈનલ મુકાબલામાં
આઠમા ક્રમાંકની એન્ડ્રિવાએ પ્રતિસ્પર્ધી ચ્વાલિંસ્કાને 6-3, 6-2થી હરાવી હતી. પુરા
મેચ દરમિયાન રશિયન ખેલાડી એન્ડ્રિવાએ પોતાના શક્તિશાળી બેઝલાઈન હિટિંગ અને આક્રમક રમતથી
વિરોધી ખેલાડીને મુકાબલામાં વાપસી કરવાની કોઈ તક આપી નહોતી. માત્ર 19 વર્ષની ઉમરે ફ્રેન્ચ
ઓપનની ટ્રોફી ઉપાડનારી એન્ડ્રિવા છેલ્લા ત્રણ દશકથી વધારે સમયમા પેરિસમાં ખિતાબ જીતનારી
સૌથી ઓછી વયની ખેલાડી બની છે. આ અગાઉ 1992મા દિગ્ગજ ટેનિસ ખેલાડી મોનિકા સેલેસે માત્ર
18 વર્ષની ઉમરે સતત ત્રીજો ફ્રેન્ચ ઓપન ખિતાબ જીત્યો હતો.