નવી દિલ્હી, તા.5: વાર્ષિક સૌર ક્ષમતા વધારામાં ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે. ભારત સૌર ઊર્જા વૃદ્ધિના સંદર્ભમાં બીજા ક્રમનો સૌથી મોટો દેશ બન્યો છે. આંતરરાષ્ટ્રીય નવીનીકરણીય ઊર્જા એજન્સી અનુસાર, ભારતે ગયા વર્ષે 37 ગીગાવોટ ક્ષમતા ઉમેરી હતી, જ્યારે અમેરિકાએ 34 ગીગાવોટનો ઉમેરો કર્યો હતો. સૌર ક્ષમતા વધારામાં ભારત ફક્ત ચીનથી પાછળ છે, જેણે ગયા વર્ષે 315 ગીગાવોટનો ઉમેરો કર્યો હતો. સૌથી ઝડપથી વિકસતા મુખ્ય સૌર બજાર તરીકે, ભારત મજબૂત નીતિ સમર્થન, નવીનતા અને વિશ્વ-સ્તરીય માળખાગત સુવિધાઓ દ્વારા રેકોર્ડ ક્ષમતા વધારા હાંસલ કરી રહ્યું છે. ભારતે 2023માં 9.6 ગીગાવોટ અને 2024માં 25.4 ગીગાવોટનો ઉમેરો કર્યો હતો. જ્યારે અમેરિકાએ 2023માં 27 ગીગાવોટ અને 2024માં 37.7 ગીગાવોટનો સૌર ઊર્જા ઉમેરો કર્યો, ત્યારે કુલ સ્થાપિત ક્ષમતાના સંદર્ભમાં ભારત અમેરિકાથી પાછળ છે.