(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.5: અમદાવાદ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ વીઆઈપી અને ઉચ્ચ અધિકારીઓ સાથેના ફોટા
બતાવીને લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર અનિલ વિભાણી અને તેની પત્ની વિમ્મી વિભાણીની
ધરપકડ કરી છે. વૈભવી જીવન જીવવાના મોહમાં આ દંપતીએ અત્યાર સુધીમાં આશરે 15 જેટલા નિર્દોષ
લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે. તાજેતરમાં જ તેમણે કેનેડામાં ફસાયેલા 24 કરોડ રૂપિયા
પાછા કઢાવી આપવાની લાલચ આપી એક વ્યક્તિ સાથે 2 કરોડ 27 લાખ રૂપિયાની છેતરાપિંડી આચરી
હતી. આ બંટી-બબલીની જોડીએ અત્યાર સુધીમાં કુલ 20 કરોડ રૂપિયાથી વધુનું મોટું ફ્રોડ
કર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.
ભૂતકાળમાં
સામાન્ય ટ્રક ડ્રાઇવર અને ખાણમાં નોકરી કરી ચૂકેલા અનિલ વિભાણીએ વર્ષ 2019થી વગદાર
વ્યક્તિ તરીકેની ખોટી ઓળખ આપી ઠગાઈનો આ ધંધો શરૂ કર્યો હતો. ચોંકાવનારી વિગત એ છે કે
આરોપી અનિલે વર્ષ 2012માં સુરતના રાંદેરમાં પોતાની પહેલી પત્નીની હત્યા પણ કરી હતી,
અને હવે તે બીજી પત્ની સાથે મળીને આ ગુનાખોરી આચરી રહ્યો હતો. હાલ પોલીસે આ આંતરરાજ્ય
ઠગાઈ રેકેટના મૂળ સુધી પહોંચવા અને અન્ય ભોગ બનનારા લોકોની વિગતો મેળવવા માટે આરોપીઓના
રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.