• શનિવાર, 06 જૂન, 2026

આજે T-20 ટીમની પસંદગી : સૂર્યકુમારના સ્થાને શ્રેયસ અય્યર નવો કપ્તાન બનશે

પસંદગી સમિતિની બેઠકમાં શ્રેયસને હાજર રહેવા સૂચના?

તિલક વર્મા ઉપકપ્તાન બનશે

નવી દિલ્હી, તા.પ: આક્રમક મીડલ ઓર્ડર બેટસમેન શ્રેયસ અય્યરનું ટી-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના નવા કપ્તાન બનવું નિશ્ચિત સમાન છે. બીસીસીઆઇ તેના નામની કયારે પણ સત્તાવાર જાહેરાત કરી શકે છે. શ્રેયસ અય્યર ટી-20માં સૂર્યકુમાર યાદવની જગ્યા લેશે. જેની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ભારતીય ટીમ આ વર્ષના પ્રારંભમાં ટી-20 વિશ્વ કપ ખિતાબ જીત્યો હતો. શનિવારે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની અધ્યક્ષતામાં પસંદગી સમિતિની બેઠક મળશે. જેમાં આગામી આયરલેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસની ટીમ પસંદ કરાશે. રિપોર્ટ અનુસાર આ બેઠકમાં સામેલ થવા નવા સંભવિત કપ્તાન શ્રેયસ અય્યરને હાજર રહેવાની બીસીસીઆઇ તરફથી સૂચના મળી છે.

શ્રેયસ અય્યરનું ટી-20 કેપ્ટન બનવું ચમત્કાર જેવું છે. કારણ કે તે ડિસેમ્બર-2023થી ભારતની ટી-20 ટીમ બહાર છે. તે પાછલી બે આઈપીએલ સીઝનથી પંજાબ કિંગ્સનું સારી રીતે નેતૃત્વ સંભાળી રહ્યો છે અને રન પણ કરી રહ્યો છે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે તિલક વર્મા નવો ઉપકપ્તાન મળશે. પસંદગી સમિતિની બેઠકમાં બે અલગ અલગ ટીમ પસંદ થશે. એશિયન ગેમ્સ માટેને એક ટીમ પસંદ કરવામાં આવશે.

વન્ડર બોય વૈભવની પસંદગી પર સહુની નજર

ભારતની ટી-20 ટીમમાં 1પ વર્ષીય વન્ડર બોય વૈભવ સૂર્યવંશીની પસંદગી નિશ્ચિત માનવામાં આવી રહી છે. તેણે આઇપીએલમાં દિગ્ગજ બોલરોની ધોલાઇ કરી હતી અને 72 છક્કાથી 776 રન ફટકારી વિક્રમોની વણઝાર રચી હતી. 2028ના ટી-20 વર્લ્ડ કપને ધ્યાને રાખી વૈભવને ટીમમાં સામેલ કરાશે. આ ઉપરાંત રજત પાટીદાર અને શુભમન ગિલ પણ પસંદ થઇ શકે છે. જયારે ઝડપી બોલર ભુવનેશ્વર કુમારની વાપસી સંભવ છે. તેણે આઇપીએલ દરમિયાન સપાટ પીચો પર શાનદાર બોલિંગ કરી 28 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક