• રવિવાર, 07 જૂન, 2026

તાલાલામાં ગેરકાયદે રેતી વહન કરતું ડમ્પર ઝડપાયું

ખાણ ખનીજ વિભાગની ટીમે વાહન રોકાવતા ડમ્પર ચાલકે રસ્તા વચ્ચે રેતી ઠાલવી દીધી : સર્જાયો ટ્રાફિક જામ

તાલાલા, તા. 6: તાલાલામાંથી ગેરકાયદે રીતે રેતી ભરીને પસાર થઈ રહેલા ડમ્પરને ખાણ ખનીજ વિભાગની ટીમે ઝડપી પાડતા ગેરકાયદે ખનન કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. અધિકારીઓએ ડમ્પર રોકાવતા ચાલકે રોડ ઉપર રેતીનો જથ્થો ઠાલવી દેતા થોડીવાર સાસણ રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને તાલાલા વિસ્તારમાં ગેરકાયદે રેતી પરિવહનની બાતમી મળતા ચાકિંગ શરૂ કર્યું હતું. ચાકિંગ દરમિયાન તાલાલા-સાસણ રોડ ઉપરથી પસાર થતા શંકાસ્પદ ડમ્પરને રોકવાનો પ્રયાસ કરતા ડમ્પર ચાલકે કાર્યવાહીથી બચવા માટે ડમ્પરમાં ભરેલી રેતી સાસણ રોડ ઉપર ઠાલવી દેતાં ટ્રાફિક જામ થયો હતો. સ્થાનિક તંત્ર તુરંત બનાવનાં સ્થળે દોડી આવી રેતીનો જથ્થો બીજા વાહનમાં ભરી લેતા વાહન વ્યવહાર શરૂ થયો હતો. ખાણ ખનીજ વિભાગે તાત્કાલિક તાલાલા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી ડમ્પર ચાલકની અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ડમ્પરમાં ભરેલી રેતી અંગે જરૂરી દસ્તાવેજો અને રોયલ્ટી સંબંધિત તપાસ પણ શરૂ થઈ હતી.

ખાણ ખનીજ વિભાગની કડક કાર્યવાહીથી તાલાલા પંથકમાં ગેરકાયદે રેતી ખનન અને પરિવહન કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક