• રવિવાર, 07 જૂન, 2026

મુલ્લાંપુર ટેસ્ટનો પહેલો દિવસ ભારતનાં નામે

અફઘાનિસ્તાન સામે કેએલ રાહુલ અને શુભમન ગિલની સદી : દિવસના અંતે ભારતનો સ્કોર 368-3

ચંડીગઢ, તા. 6 : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેનો એકમાત્ર ટેસ્ટ મેચ શનિવારથી શરૂ થયો હતો. બન્ને ટીમ વચ્ચે આ મુકાબલો મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ)ના મહારાજા યાદવિંદ્ર સિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. મુકબલાનો પહેલો દિવસ પૂરી રીતે ભારતનાં નામે રહ્યો હતો. જેમાં ભારતે દિવસના અંત સુધીમાં ત્રણ વિકેટે 368 રન કર્યા હતા. કેપ્ટન શુભમન ગિલ 103 અને ઋષભ પંત 50 રને નોટઆઉટ રહ્યા હતા.મેચમાં કેએલ રાહુલે પણ સદી ફટકારી હતી.

ભારત અને અફઘાનિસ્તાન બન્નેનો આ 2026નો પહેલો ટેસ્ટ મુકાબલો છે. આ મુકાબલો ડબલ્યૂટીસીનો હિસ્સો ન હોવાના કારણે ઓગસ્ટમાં પ્રસ્તાવિત શ્રીલંકાના પ્રવાસ માટે તૈયારીના રૂપમાં જોવાઈ રહ્યો છે. ટેસ્ટનાં પહેલાં દિવસે ભારતીય ઇનિંગની શરૂઆત સારી રહી નહોતી અને જયસ્વાલ માત્ર 24 રન કરી શક્યો હતો. બાદમાં કેએલ રાહુલ અને સાઈ સુદર્શને ટીમ સંભાળી હતી. બન્નેએ મળીને બીજી વિકેટ માટે 139 રનની ભાગીદારી કરી હતી. જો કે સાઈ સુદર્શન 81 રને આઉટ થયો હતો. સુદર્શન આઉટ થયા બાદ રાહુલ અને ગિલે મળીને ઇનિંગ આગળ વધારી હતી. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે 67 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન કે એલ રાહુલે 11 ચોગ્ગાની મદદથી 165 બોલમાં 100 રન કર્યા હતા અને આઉટ થયો હતો. રાહુલની વિકેટ બાદ ઋષભ પંત અને  શુભમન ગિલ વચ્ચે ભાગીદારી થઈ હતી. બન્નેએ દિવસના અંત સુધીમાં ટીમને કોઈ નુકસાન થવા દીધું નહોતું. આ દરમિયાન શુભમન ગિલે કારકિર્દીની 11મી ટેસ્ટ સદી કરી હતી.

શુભમન ગિલ 143 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 103 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે પંતે બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 50 રન કરીને નોટઆઉટ પેવેલિયન પરત ફર્યો હતો. મેચમાં અફઘાનિસ્તાન તરફથી સલીમ સફીએ બે વિકેટ લીધી હતી. જ્યારે જીયાઉર રહેમાનને એક વિકેટ મળી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક