પીએમ મોદીની આર્થિક સલાહકાર પરિષદ સાથે બેઠક; સામાન્ય લોકો, વેપાર માટે સરળતા પર મંથન
નવી દિલ્હી, તા. 6 : પશ્ચિમ એશિયામાં
તાણ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને નવી ગતિ આપવાના આશય સાથે વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ શનિવારે તેમની આર્થિક સલાહકાર પરિષદના સભ્યો સાથે એક બેઠક યોજતાં અનેક
મુદ્દાઓ પર મંથન કર્યું હતું. વડાપ્રધાન અને પરિષદના સભ્યોએ ઇઝ ઓફ લિવિંગ એટલે કે,
જીવન સરળ બનાવવા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અર્થાત કારોબાર સરળ બનાવવા માટે જરૂરી વિવિધ
સુધારા પર ચર્ચા કરી હતી.
આવી ચર્ચાનો સીધો હેતુ વેપાર
માટેનું વાતાવરણ સાનુકૂળ બનાવવાનો છે. ભારતમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે નવા ઉપાયો
પર વિસ્તારપૂર્વક ચર્ચા કરાઇ હતી.
અર્થતંત્રને મજબૂત કરવા માત્ર
નીતિઓ બનાવવી પૂરતી નથી, પરંતુ જમીની સ્તરે સુધાર જરૂરી છે, એ દૃષ્ટિકોણ સાથે બેઠકમાં
સામાન્ય નાગરિકો અને વેપાર જગત માટે મહત્ત્વપૂર્ણ સુધારાઓ પર ભાર મુકાયો હતો. આર્થિક
સ્થિરતા જાળવી રાખવા સાથે વિકાસની ગતિ વધારવાના ઉપાયો પર મંથન કરાયું હતું. આ ઉચ્ચસ્તરીય
બેઠકમાં ચર્ચાયેલા ઉપાયોનો અમલ અસરકારક રીતે કરવા સંકલ્પ કરાયો હતો.
બેઠક દરમ્યાન ભૂરાજકીય સંકટ પર
પણ ગંભીરતાપૂર્વક ચર્ચા થઇ હતી. પરિષદના સભ્યોએ પશ્ચિમ એશિયાના સંઘર્ષની ભારત સહિત
દુનિયા પર અસરોનું આકલન રજૂ કર્યું હતું.
વડાપ્રધાન અને આર્થિક સલાહકાર
પરિષદની આ બેઠક એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે, સરકાર વૈશ્વિક પડકારો સામે સંપૂર્ણપણે
સતર્ક છે. પરિષદના સભ્યોએ આપેલું યુદ્ધની અસરોનું આકલન સરકારને ભવિષ્યના આર્થિક પડકારો
સામે લડવામાં મદદરૂપ બનશે.