સુરત, તા.6 : શહેરના ગોડાદરા વિસ્તારમાં કોસ્મેટિક્સના વેપારીના કારીગર પાસેથી રૂ.8 લાખ ભરેલી બેગ લૂંટી ફરાર થયેલા લૂંટારૂઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા છે. લૂંટ દરમિયાન કારીગરને ચપ્પુ બતાવી ડંડાથી માર મારી રોકડ ભરેલી બેગ છીનવી લેવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે દુકાનમાં અગાઉ કામ કરતો જયદીપ કવાડે સાગરિતો સાથે મળી ત્રણ દિવસ સુધી રેકી કરીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. બાતમીના આધારે પોલીસે જયદીપ કવાડ, ગોપી સાટીયા અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકિશોરને ઝડપી પાડયા હતા. પોલીસે ગુનામાં વપરાયેલી મોપેડ જપ્ત કરી છે. જ્યારે રાજદીપ ચાવડા નામના અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.