• સોમવાર, 13 એપ્રિલ, 2026

લખનઉ સામે ગુજરાતનો 7 વિકેટે વાયબ્રન્ટ વિજય પ્રસિધ્ધ કૃષ્ણાની 4 વિકેટ અને ગિલ-બટલરની અર્ધસદી

165 રનનો વિજય લક્ષ્યાંક 18.4 ઓવરમાં આંબી લીધો

લખનઉ તા. 12: લખનઉ સુપર જાયન્ટસ વિરૂધ્ધ પ્રસિધ્ધ કૃષ્ણાની 28 રનમાં 4 વિકેટ બાદ કપ્તાન શુભમન ગિલ અને જોસ બટલરની આક્રમક અર્ધસદીની મદદથી ગુજરાત ટાઇટન્સનો 7 વિકેટે વાયબ્રન્ટ વિજય થયો હતો. 16પ રનનો વિજય લક્ષ્યાંક ટાઇટન્સે 8 દડા બાકી રાખીને 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. સતત બે વિજય સાથે ગુજરાત ટાઇટન્સ ટીમ 4 અંક સાથે પોઇન્ટ ટેબલ પર પાંચમા ક્રમે પહોંચી છે.

ગુજરાત ટાઇટન્સ તરફથી કેપ્ટન શુભમન ગિલે 40 દડામાં 6 ચોક્કા અને 1 છક્કાથી પ6 અને જોસ બટલરે 37 દડામાં 11 ચોક્કાથી 60 રનની ઈનિંગ રમી હતી. આ બે વચ્ચે બીજી વિકેટમાં પ8 દડામાં 84 રનની મેચ વિનિંગ ભાગીદારી થઇ હતી. સુંદર 21 અને તેવતિયા 10 રને નોટઆઉટ રહ્યા હતા. સુદર્શન 1પ રને આઉટ થયો હતો. લખનઉ તરફથી શમી, યાદવ અને રાઠીને 1-1 વિકેટ મળી હતી.

આ પહેલા લખનઉ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 164 રને હાંફી ગઇ હતી. જેમાં માર્કરમના 30 રન સર્વાધિક હતા. માર્શ 11, કપ્તાન પંત 18, પૂરન 19 અને બડોની 9 રને આઉટ થયા હતા.

ફટકાબાજ મુકુલ ચૌધરીએ 18 રન કર્યાં હતા. જોર્જ લિંડે અને શમીએ 12 રનનો સહયોગ આપ્યો હતો. ગુજરાત તરફથી પ્રસિધ્ધે 4 વિકેટ લીધી હતી. અશોક શર્માને 2 વિકેટ મળી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક