• સોમવાર, 13 એપ્રિલ, 2026

નાઈજીરિયન એરફોર્સનો ભરેલી બજાર ઉપર હુમલો : 200નાં મૃત્યુ

આતંકીઓનો પીછો કરતા ભૂલથી બોમ્બમારો થયાના અહેવાલ : એરફોર્સે કહ્યું, મોટી સંખ્યામાં આતંકીઓ ઠાર કર્યા

નવી દિલ્હી, તા. 12 : નાઈજીરિયામાંથી એક હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. હકીકતમાં દેશના ઉત્તર પૂર્વ રાજ્ય યોબેમાં શનિવારે રાત્રે એક સૈન્ય હવાઈ હુમલામાં અંદાજીત 200 લોકો માર્યા ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર શનિવારે રાત્રે ઉગ્રવાદીઓનો પીછો કરી રહેલા નાઈજીરિયન સૈન્ય જેટ વિમાનોએ ભૂલથી એક ગામના બજાર ઉપર બોમ્બમારો કરી દીધો હતો. સ્થાનિક નેતા અને ઘટના નજરે જોનારા લોકો અનુસાર હુમલો ભીડ ધરાવતા બજાર ક્ષેત્રમાં થયો હતો. હુમલા સમયે સ્થળ ઉપર મોટી સંખ્યામાં વેપારી અને ગ્રાહકો હાજર હતા.

નાઈજીરિયાની વાયુ સેના તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બોર્નો રાજ્યના જિલ્લી વિસ્તારમાં બોકો હરામના આતંકવાદીઓને એક સફળ ઓપરેશનમાં મોટી સંખ્યામાં ઠાર કરવામાં આવ્યા છે. આ નિવેદનમાં બજાર ઉપર હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો તેમજ બજારના મુદ્દે થયેલા સવાલોનો જવાબ પણ ટાળવામાં આવ્યો હતો.

ઘટના યૂબે અને બોરનો સ્ટેટની સરહદ નજીક બની હતી. જે લાંબા સમયથી ઉગ્રવાદી ગતિવિધિનું કેન્દ્ર રહ્યું છે. કહેવાય છે કે નાઈજીરિયન સેનાના યુદ્ધ વિમાન આ વિસ્તારમાં ઉગ્રવાદીઓનો પીછો કરી રહ્યા હતા, જો કે નિશાન ચૂકી જવાથી બોમ્બ સીધા બજાર ઉપર પડયા હતા. ઘટના નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે, બજાર અને આસપાસની શેરીઓમાં મૃતદેહો વિખેરાયેલા પડયા હતા. ઘણા ઈજાગ્રસ્તોને નજીકની નાની હોસ્પિટલો અને ક્લિનિકોમાં પહોંચાડવામાં આવ્યા હતા. જ્યારે અમુક મૃતદેહોને આસપાસમાંથી બરામદ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સ્તર ઉપર સુરક્ષા અને માનવાધિકારો ઉપર નજર રાખતા સંગઠનો અનુસાર છેલ્લા એક દશકમાં યોબે રાજ્યમાં ઘણી વખત ભૂલથી અથવા તો ખોટા લક્ષ્ય ઉપર એરસ્ટ્રાઈકના અહેવાલો સામે આવી ચૂક્યા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક