• સોમવાર, 13 એપ્રિલ, 2026

વાંકાનેરમાંથી 46 હજારના ગાંજા સાથે શખસ ઝડપાયો

મોરબીના સપ્લાયરનું નામ ખૂલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી

વાંકાનેર, તા.12 : મોરબી જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણને ડામવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એસઓજીની ટીમે બાતમીના આધારે વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં દરોડો પાડી રૂ.46 હજારના ગાંજા સાથે શખસને ઝડપી પાડયો હતો જ્યારે મોરબીના સપ્લાયરનું નામ ખૂલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં ભાટિયા સોસાયટીમાં રહેતો વસીમ રફીકભાઈ બ્લોચ નામનો શખ્સ પોતાનાં રહેણાક મકાનમાં માદક પદાર્થનો જથ્થો છુપાવી વેપલો કરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબી એસઓજીની ટીમે દરોડો પાડી મકાનની તલાશી લેતા રૂ. 46,750નો 935 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજો કબજે કરી આરોપી વસીમ બ્લોચની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે આ ગાંજાનો જથ્થો મોરબીના સોહિલ પઠાણ પાસેથી લીધાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે બન્ને વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસમાં ગુનો નોંધી સપ્લાયર સોહીલ પઠાણની શોધખોળ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક